Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝAAPનું મિશન 2022, વિધાનસભાની ચૂંટણીને લઈને બનાવી રણનીતિ

AAPનું મિશન 2022, વિધાનસભાની ચૂંટણીને લઈને બનાવી રણનીતિ

KEJRIWAL,AAP,NATIONAL POLITICS,POLITICAL ANALYTIC
Share Now

ભારતના રાજકારણમાં ભાજપ-કોંગ્રેસ સિવાય જો કોઈ પાર્ટીની આજકાલ સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે આમ આદમી પાર્ટી છે. દિલ્હીમાં સતત ત્રણ વખત સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે દેશના દરેક રાજ્યોમાં સક્રિય થઈ રહી છે. ઘણા રાજ્યોમાં AAP સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. AAP દેશના અલગ અલગ રાજ્યોમાં પોતાના સંગઠનને મજબૂત કરી રહ્યું છે. અને તેણે સત્તા પર કબજો મેળવવા માટે સખત પ્રયાસ પણ શરૂ કર્યા છે. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતે જ અમુક રાજ્યોની કમાન સંભાળી રહ્યા છે. તેમજ અરવિંદ કેજરીવાલ આ રાજ્યોમાં સીએમ ઉમેદવારને પણ મેદાનમાં ઉતારી રહ્યા છે.

ભાજપ શાસિત રાજ્યો પર AAPની ચાંપતી નજર

ભાજપ શાસિત રાજ્યો પર AAP ચાંપતી નજર રાખી રહ્યું છે. મોંઘવારીને કારણે સામાન્ય પ્રજામાં ભાજપ વિરુદ્ધ વધી રહેલી નારાજગી અને કોંગ્રેસની નબળાઇનો ઉપયોગ કરીને AAP પોતાની રાજકીય જમીન મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આગામી વર્ષ 2022 માં દેશના છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી તમામ રાજ્યોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે. આમ આદમી પાર્ટીએ મિશન -2022 માટે રણનીતિ બનાવી છે. આ વ્યૂહરચના આમ આદમી પાર્ટી 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી છે. 

KEJRIWAL,AAP,NATIONAL POLITICS,POLITICAL ANALYTIC

આ પણ વાંચો:તાલિબાનને સમર્થન આપતા સપા સાંસદ વિરુદ્ધ નોંધાઈ FIR

6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડવા AAPની તૈયારી

આગામી વર્ષ 2022 માં દેશના છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આગામી વર્ષ 2022માં પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને ગોવામાં ચૂંટણી યોજવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ રાજ્યોમાં ચૂંટણીની રણનીતિ બનાવવા પર કામ કરી રહી છે. 

સ્થાનિક ચહેરાને પ્રમોટ કરી રહ્યું છે AAP

આમ આદમી પાર્ટી દરેક રાજ્યમાં એક સ્થાનિક ચહેરાને પ્રમોટ કરીને અને તેમને સીએમ ઉમેદવાર તરીકે રજૂ કરીને ચૂંટણી લડવા માંગે છે. આ ચૂંટણીઓમાં સામાન્ય જનતા પર પેરાશૂટ નેતા લાદવાને બદલે, પક્ષ સ્થાનિક ચહેરાને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે રજૂ કરવા માંગે છે, જેમ કે ઉત્તરાખંડમાં, પાર્ટીએ નિવૃત્ત કર્નલ અજય કોઠિયાલના ચહેરા પર આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 

પંજાબમાં સીએમ ઉમેદવારની કરી શકે છે જાહેરાત 

ઉત્તરાખંડ બાદ હવે પાર્ટી અન્ય રાજ્યોમાં પણ એક પછી એક સીએમ ઉમેદવારોનાં નામ જાહેર કરવાની તૈયારી કરી રહી છે. ઉત્તરાખંડ બાદ પાર્ટી હવે પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. અને ટૂંક સમયમાં ત્યાં પણ મુખ્યમંત્રી પદના ઉમેદવારના ચેહરાની જાહેરાત કરી શકે છે. તાજેતરમાં જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના નેતાઓની બેઠક યોજાઇ હતી. અને આ બેઠક બાદ સંકેતો આપવામાં આવ્યા હતા કે પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારના ચેહરાની જાહેરાત કરવામાં આવી શકે છે.

પંજાબમાં AAP વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે

પંજાબથી આમ આદમી પાર્ટીના લોકસભા સાંસદ ભગવંત સિંહ માન એ પણ કહ્યું હતું કે પાર્ટી દ્વારા પંજાબ માટે સીએમ ઉમેદવારની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી હાલમાં પંજાબ સરકારમાં વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે અને આ વખતે તે સત્તા પર કબજો જમાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે.

યુપીની કમાન સંજય સિંઘના હાથમાં

પંજાબ સિવાય પાર્ટી ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. ઉત્તર પ્રદેશની કમાન લોકસભા સાંસદ સંજય સિંઘે સંભાળી છે. જોકે, પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ખેડૂતોની મહાપંચાયતોને સંબોધી ચૂક્યા છે.

ગોવામાં પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ

સીએમ કેજરીવાલ ગોવાની મુલાકાત પણ કરી ચૂક્યા છે. આગામી વર્ષ 2022 માં વિધાનસભાની 40 બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાર્ટી અહીં પણ પોતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPનું પ્રદર્શન સારું રહ્યું 

ગુજરાતમાં થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. અને સુરત નગરપાલિકાની ચૂંટણીમાં જબરદસ્ત વિજય મેળવીને પાર્ટી ગુજરાતમાં એવા મુખ્યમંત્રી ચહેરાની શોધમાં છે જે ત્યાંની ભાજપ સરકારને પડકારી શકે. ગોવામાં પણ પાર્ટીએ ખાસ કરીને વીજળીના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનું કામ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટી આજ રણનીતિ પર આગળ વધી રહી છે. 

પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં AAPનું યુપીમાં સારું પ્રદર્શન 

તમને જણાવી દઈએ કે 2022 માં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટી પહેલાથી જ પૂરજોશમાં છે. પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ યુપીમાં સારું પ્રદર્શન કર્યું છે. યુપીમાં આમ આદમી પાર્ટીની કમાન રાજ્યસભા સાંસદ સંજય સિંહ સંભાળી રહ્યા છે.

આમ આગામી વર્ષ 2022 માં છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયતાથી આગળ વધી રહી છે. અને તમામ રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસથી નારાજ નાગરિકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જેને કારણે હાલ આમ આદમી પાર્ટી એ દેશમાં ભાજપ-કોંગ્રેસ બાદ સૌથી વધુ ચર્ચામાં રહે છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment