ગુજરાત હાઈકોર્ટ(GUJARAT HIGH COURT) દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને બિલ્ડીંગની BU પરમિશન બાબતે ટકોર કરી હતી. અને BU પરમિશન વગર જે બિલ્ડીંગો બંધાઈ છે તેને લઈને હાઇકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લીધી હતી. હાઇકોર્ટની ટકોર બાદ કોર્પોરેશન દ્વારા BU પરમિશન વિનાની બિલ્ડીંગોમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનાથ લીધે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભાજપના કોર્પોરેટરો પણ આ સિલિંગ મુદ્દે પ્રજાના રોષનો સામનો કરે છે. ત્યારે આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી આગળ આવી છે. આમ આદમી પાર્ટીએ પણ હવે સિલિગ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટી(AAP)ના લીગલ સેલના પ્રણવ ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સિલિગ મુદ્દે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. તેમણે BU પરમિશન વગર બિલ્ડીંગ ઉભી કરવા દેનાર કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
નાના વેપારીઓ છે હેરાન
પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે પાલડી શેફાલી કોમ્પલેક્સ અને રાણીપના મારૂતિ કોમ્પ્લેક્સના વેપારીઓ અમારી પાસે આવ્યા હતા. અને તેઓએ આ સિલિગ મુદ્દે રજુઆત અમને રજુઆત કરી હતી. અમે સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે આ સિલિગની કાર્યવાહીમાં સત્વરે હસ્તક્ષેપ કરે. સિલિગના કારણે નાના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. સાથેજ કોર્પોરેશનના અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, કાયદાકીય રીતે BU પરમિશન વગર ડ્રેનેજ, પાણી અને લાઈટ કનેક્શન નથી મળતું તો કોર્પોરેશન દ્વારા કઈ રીતે કનેક્શન આપવામાં આવ્યું? અને પ્લાન પાસ કરી દેવામાં આવ્યા? BU પરમિશન વગર દસ્તાવેજ પણ નથી થતા તો કઈ રીતે આ બધું થાય છે? કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોનો મિલીભગતના કારણે વેપારીઓ દંડાય છે. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે BU પરમિશન વગરના જેટલા પણ બિલ્ડીંગ છે તેમા ક્યાં અધિકારીએ જે તે સમયે પરમિશન, કનેક્શન આપ્યા અને બિલ્ડરોને ખુલ્લાં પાડી કાર્યવાહી કરવા જણાવીશું.
વેપારીઓને થઇ રહ્યું છે નુકશાન
પાલડી શેફાલી કોમ્પલેક્ષના વેપારીઓએ જણાવ્યું હતું કે 15 દિવસથી સિલિગના કારણે રોજગાર ધંધા બંધ છે. અમે બાંહેધરી આપી છે છતાં હાઇકોર્ટના નામે તેઓ સીલ ખોલવા તૈયાર નથી થતા. અમારે વેપારીઓએ હવે આમા શું કરવું ? 81 જેટલી દુકાનો આજે બંધ છે. એક બાજુ કોરોનાના કારણે મંદી છે તો બીજી બાજુ આવી રીતે કાર્યવાહીના કારણે વેપારીઓ હેરાન થઇ રહ્યા છે. છે. વધુમાં મારૂતિ કોમ્પલેક્ષના વેપારીઓએ કહ્યું કે અમારા ધંધાને રાતોરાત સીલ કરી દેવાયું છે ત્યારે અમારી મશીનરી અને માલસામાન પડ્યો છે જે બગડી રહ્યો છે જેથી દુકાનો ખોલી આપવામાં આવે તેવી વિનંતી છે. સરકાર કહે એ ચાર્જ અમે ભરવા તૈયાર છીએ. બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમારી દુકાનો ખોલી આપો.
આ પણ વાંચો:AAP, ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ આવ્યું એક્શનમાં
એકબાજુ કોરોનાની મહામારીને કારણે માર્કેટમાં મંદીનો માહોલ છે. અને બીજીબાજુ વેપારીઓને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને રાજકીય રંગ આપ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ હાઈકૉર્ટનું બહાનું કાઢીને કોઈ જવાબ આપતા નથી. ત્યારે આ સમગ્ર મામલે વેપારી વર્ગ બિચારો પોસાઈ રહ્યો છે.