Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeભક્તિવિશ્વનું એકમાત્ર મંદિર, જ્યાં ભોળાનાથ છે બાળસ્વરૂપે સાક્ષાત બિરાજમાન

વિશ્વનું એકમાત્ર મંદિર, જ્યાં ભોળાનાથ છે બાળસ્વરૂપે સાક્ષાત બિરાજમાન

Balaram Mahadev Temple
Share Now

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्।
सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।

શિવ, શંભુ, ભોળાનાથ. મહાદેવના તો અનેક નામ છે અને અનેક મંદિરો પણ.

આજે વાત કરવાની છે એક એવા મંદિરની જેની ગાથા અનુસાર ભગવાન ભોળાનાથ સાક્ષાત બાલસ્વરૂપે અહિયાં બિરાજમાન છે. ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલું છે ચિત્રાસણી ગામ. અહિયા મહાદેવનું એક એવું મંદિર છે, જ્યાં કહેવાય છે કે ભગવાન શિવ પોતે પ્રકૃતિના પાલવે બિરાજે છે. અહિયાં કુદરતનો એવો આશીર્વાદ છે કે આ જગ્યાને મિનિ કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે.  આ મંદિર છે પાલનપુરનું બાલારામ મહાદેવ.

કુદરતના સાંનિધ્યમાં આવેલું આ ભક્તિસ્થળ મનને શાંતિનો અનુભવ કરાવે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા વૃક્ષોની ચાદર, બાજુમાં જ બાલારામ નદીની શીતળતા. ઘટાદાર ઝાડ નીચે બિરાજમાન મહાદેવની ભક્તિ કરતાં હોઈએ ત્યારે પક્ષીઓના ટહુકાઓ સંભળાય, નદીના નીર પણ જાણે ગીતો ગાતા હોય. આ આહલાદક અનુભવ તો બાલારામમાં જ મળે.

Palanpur's famous Balaram Mahadev Temple

પ્રકૃતિની સાથે ભક્તિનો રંગ પણ બાલારામમાં જોવા મળે છે. અહિયાં સ્વયંભૂ શિવલિંગ છે, જેના પર ગુપ્તગંગા અવિરત જળાભિષેક કરે છે. હજારો વર્ષો પૂર્વેથી શરૂ થયેલું આ ઝરણું આજ સુધી એક ક્ષણ માટે પણ બંધ થયું નથી. એક જ જગ્યાએ પાણીનો સતત જળાભિષેક થવા છતાં આજ સુધી આ શિવલિંગને કણમાત્ર પણ ઘસારો પહોંચ્યો નથી.

આ મંદિરની ઉત્પતિની પાછળની દંતકથા એવી છે કે, હજારો વર્ષો પહેલા યુગ બદલાઈ રહ્યો હતો ત્યારે માનવભક્ષી દુષ્કાળ પડ્યો હતો, જેમાં માનવો એકબીજાને પણ ખાઈ જતાં હતા. જે પરિસ્થિતિ જોતાં અમુક પરિવારને એવું થયું કે હવે જો ભોજન કે જળ નહીં મળે તો જીવવું અસંભવ છે. ત્યારે માણસોનું ટોળું પાણીની શોધમાં નીકળી પડ્યું. આ જગ્યાએ થોડી હરિયાળી જોઈ એટલે પોતાના બાળકોને ત્યાં ભગવાન ભરોસે મૂકી ખોરાક-પાણીની શોધમાં નીકળી પડ્યા. પરંતુ એ લોકો રસ્તો ભૂલી ગયા અને પોતાના બાળકોથી વિખૂટા પડી ગયા.

અમુક વર્ષો પછી વરસાદ થતાં સ્થિતિ સામાન્ય બની અને પરિવારો પોતાના વતન પાછા આવવા નીકળી પડ્યા, રસ્તામાં તેમણે તે જગ્યા દેખાઈ જ્યાં તેમણે પોતાના બાળકોને મૂક્યા હતા. જોયું તો બાળકો સહી-સલામત હતા, માતા-પિતાએ પૂછતાં તે બાળકોએ કહ્યું કે અમને એક ઋષિએ જીવનદાન આપ્યું છે. તેઓ ઋષિ હતા કે ભગવાન, તે અમને ખબર નથી. પણ જ અહિયાં પોતાની શક્તિની મદદથી પાણીનો આ સ્ત્રોત વહેતો કર્યો અને અમને જીવનદાન આપ્યું.

Aarti being performed at Balaram Mahadev Temple, Palanpur

જ્યારે બાળકો  ભગવાનને જોવા માટે આગળ વધ્યા તો ભગવાન શિવલિંગ સ્વરૂપે સ્થિત થઈ ગયા. ઠેર ઠેર આ ચમત્કારની વાયકાઓ આગઝડપે ફેલાઈ ગઈ. ભગવાને  સ્વયં અવતાર લઈને આ બાળકોને આરામ આપ્યો હતો એટલે આ જગ્યાનું નામ પડ્યું બાલ+આરામ એટલે કે બાલારામ. માનવામાં આવે છે કે પાંડવો પણ પ્રકૃતિના ખોળે આવેલા આ સ્થળે રહીને અહિયાં પૂજા અર્ચના પણ કરી હતી.એ પછી તો આ જગ્યાએ શ્વેત આરસપહાણમાંથી મંદિર કંડારવામાં આવ્યું અને ઠેર ઠેર બાલારામના અદભૂત ચમત્કારો તથા નૈસર્ગિક વાતાવરણની ચર્ચાઓ થવા લાગી. ધીમે ધીમે આ ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. ભક્તિ અને પ્રકૃતિનો આ અનોખો સંગમ તેના ખોળે જનાર દરેકને આંતરશાંતિની અનુભૂતિ કરાવે છે.

એવું કહેવાય છે કે પૂરા ભારતમાં આ એક જ એવું મંદિર છે જ્યાં ભોળાનાથ પોતે બાલ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે, માટે જ આ પાવન સ્થળનો મહિમા ખૂબ જ વિશેષ છે. બાલારામમાં શ્રાવણ માસમાં યોજવામાં આવતા મેળામાં તથા મહાશિવરાત્રિના દિવસે બાલારામના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

કુદરતના ખોળે બેસીને મહાદેવની ભક્તિ કરવાનો આહલાદક અનુભવ મેળવવો હોય તો બાલારામ જવું જ પડે.

No comments

leave a comment