Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeએન્ટરટેઈન્મેન્ટBhuj: The Pride Of India કચ્છી મહિલાઓની શૌર્યગાથાની કહાની

Bhuj: The Pride Of India કચ્છી મહિલાઓની શૌર્યગાથાની કહાની

Share Now

Bhuj: The Pride Of India: ભુજ: બૉલિવૂડ અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ “ભુજ: ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા”ની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ 1971ની ભારત-પાકિસ્તાનના યુદ્ધ (1971 War)સમયે વાસ્તવિક ઘટના પર બનેલી છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા ફતેહી અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં અજય દેવગને એરફોર્સના સ્કૉર્ડન લીડર વિજય કર્ણિકની ભૂમિકામાં છે, જેમની પાસે યુદ્ધ દરમિયાન ભુજ એરપોર્ટનો ચાર્જ હતો. ભુજ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે કે, કેવી રીતે દેવગન ગામની 300 મહિલાની મદદથી એક નવો એરબેઝ તૈયાર કરે છે.

કચ્છી મહિલાઓની શૌર્યગાથાની કહાની

કચ્છી મહિલાઓની શૌર્યગાથા પણ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું (1971 War) એક સુવર્ણ પુષ્ઠ છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા તોડી પાડવામાં આવેલી ભુજની એરસ્ટ્રીપ માધાપરની 300 મહિલાઓએ માત્ર 72 કલાકમાં ફરીથી બનાવી દીધી હતી. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ વિરાંગનાઓને ઝાંસીની રાણીનું બિરૂદ આપીને નવાજી હતી. 1971ના યુદ્ધ વખતે ભારતીય સેનાની સાથે જનતાએ પણ ખમીર દેખાડ્યું હતું. આવી જ એક ઘટના કચ્છમાં બની હતી.

કચ્છની મહિલાઓએ દેશની સરહદોની સુરક્ષા કરવા માટે અસાધારણ સાહસ દેખાડ્યું હતું. 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં વાયુસેનાના કામમાં આવે તેવું એકમાત્ર એરપોર્ટ ભુજ હતું. પાકિસ્તાને ‘ઑપરેશન ચંગેઝ ખાન’ હેઠળ ભારતીય વાયુસેનાના એરબેઝોને નિશાન બનાવ્યા હતા, જેમાં ભૂજનું એરપોર્ટ પણ સામેલ હતું.

એક મહિલાએ જણાવ્યું કે,

“એ સમયે અમે લોકો ઘરમાં જ બાળકો સાથે રહેતા અને બહાર બોમ્બ પડતા, ત્યારે ઘરમાં બધા વાસણો ખખડતા અને કેટલાક નીચે પડી જતા હતા. આમ છતાં અમે ડરતા નહી અને એવું વિચારતા કે, જે બધાનું થશે તે અમારુ થશે. અમને થતું કે, આ એરસ્ટ્રીપ તૈયાર થઈ જાય તો સારુ. જો આમ નહીં થાય તો પાકિસ્તાન ભારત પર ચડાઈ કરશે અને આપણે આપણો દેશ બચાવી નહીં શકીએ. આખરે જેમની ઈચ્છા હોય તેવી બહેનો કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. ”

પાકિસ્તાનની વ્યૂહરચના એવી હતી કે, જો એરસ્ટ્રીપોને બરબાદ કરી દેવામાં આવશે, તો ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનો તાત્કાલીક કોઈ કાર્યવાહી નહીં કરી શકે. આવી એરસ્ટ્રીપ ટૂંકાગાળામાં તૈયાર કરવી શક્ય નહતી.

 

 

બીજી એક મહિલાએ જણાવ્યું કે,

“એ સમયે અમારી બાજુમાં જાદવજી ભાઈ નામે સરપંચ રહેતા હતા. તેમણે અમને વાત કરી હતી કે, આવતીકાલે એરપોર્ટ પર કામ કરવા જવાનું છે. પાકિસ્તાન વાળાએ આપણું એરપોર્ટ તોડી નાંખ્યું છે, તો આજુબાજુની મહિલાઓને ભેગી કરજો અને તેમને કાલે તૈયાર રહેવાની વાત કરજો. કાલે ગાડી લેવા આવશે.”

આવી જ ગણતરી સાથે ભૂજની એરસ્ટ્રીપને પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ નિશાન બનાવી હતી. પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ 18 બૉમ્બ ઝીંક્યા હતા, જેમાંથી 4 બૉમ્બ એરસ્ટ્રીપ પર પડ્યા હતા. જેના કારણે હવાઈ પટ્ટી તબાહ થઈ ગઈ હતી.

જુઓ વીડિયો: માધાપરની વિરાંગનાઓની કહાની તેમની જુબાની,  

યુદ્ધ દરમિયાન બે કે ત્રણ દિવસમાં ભૂજ એરપોર્ટ પરથી પાકિસ્તાનને જવાબ આપવામાં નહીં આવે, તો આવી સ્થિતિમાં પાકિસ્તાન કચ્છને બરબાદ કરી નાંખે તેવી આશંકા હતી. એવામાં કચ્છના તત્કાલીન કલેક્ટર ગોપાલ ગોસ્વામીએ લોકોને શ્રમદાન માટેની અપીલ કરી હતી.

ત્રીજી મહિલાએ જણાવ્યું કે,

“મારા ઘરે પણ નાના બાળકો હતા. હું ઘરે કામ કરતી હતી, ત્યારે અમને એરપોર્ટ જવા માટે હાકલ કરવામાં આવી. મને તો ખબર પણ નહતી કે, શું કામ કરવા માટે અમને લઈ જવામાં આવે છે? એ સમયે મારો છોકરો સ્કૂલે ગયો હતો અને ઘરની ચાવી મારી પાસે હતી. આમ છતાં મેં જવાનું નક્કી કરી નાંખ્યું અને મનમાં ગાંઠ વાળી નાંખી હતી કે, હું પાછી નહીં વળું, ભલે મારા છોકરા સાથે ગમે તે થાય.

 

મારી સાથે બીજા જે વડીલો હતા તેમને મેં ચાવી આપીને છોકરાને રોટલો ખવડાવીને ચાવી લેતા આવવા જણાવ્યું. બસ પછી તો આવી રીતે ત્રણ દિવસ સુધી ગઈ. બીજા દિવસથી ઘરનું બધુ કામ પતાવીને જવા લાગી. મારો મોટો છોકરો સાડા ચાર વર્ષનો હતો અને એક છોકરી ત્રણ વર્ષની હતી. આમ છતાં મેં નક્કી કરી નાંખ્યું હતું કે, દેશસેવામાં હું પાછી નહીં વળું.”

આ પણ વાંચો:  પિયુષ ગોયલને પ્રમોશન, રાજ્યસભામાં મળી મહત્વની જવાબદારી

શ્રમદાનની અપીલ બાદ ભૂજના માધાપરની 300 મહિલાઓ જીવના જોખમે એરસ્ટ્રીપ બનાવવા માટે આગળ આવી હતી. તેમની સતત 72 કલાકની કામગીરી બાદ એરસ્ટ્રીપ ફરીથી તૈયાર કરી દેવામાં આવી હતી.

અન્ય એક મહિલાએ જણાવ્યું કે,

“અમે તો એરસ્ટ્રીપ બનાવવા માટે રોટલા લીધા વિના જ પહોંચી ગયા હતા. બીજા દિવસે મંદિરમાંથી લાડવા, કેળા અને સફરજન એવું બધું આવ્યું. બપોરે ખાવા બેઠા હોઈએ અને સાયરન વાગે એટલે ભાગો-ભાગોની બૂમ પડે. આથી અમે ખાવાનું પડતું મૂકીને ભાગીએ અને ખાડામાં એકબીજાના માથે પડીએ. અમે બચવા માટે મોટા-મોટા ખાડા ખોદી નાંખ્યા હતા અને સાહેબ તો ઊંચુ જોયા રાખે કે, પાકિસ્તાનના પ્લેન કેટલે પહોંચ્યા? જે બાદ શાંતિનું સાયરન વાગે એટલે અમે બધા ખાડામાંથી બહાર આવીએ અને ફરીથી કામ કરવા મંડી પડીએ.”

1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને 14 દિવસમાં 35 વખત ભૂજ એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. જો કે બાદમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એરફોર્સને બરાબરની ઠમઠોરી હતી.

આ એ વિરાંગનાઓ હતી, જેમને દેશ માટે કંઈક કરવું હતું અને તેમને તક મળી અને તક ઝડપી અને જીવના જોખમે ફક્ત 3 દિવસમાં એ રન-વે પરથી પ્લેન ઉડતા કરી દીધા. આ રન વે બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર હતો, તેણે પણ પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા. આટલું જ નહીં, PWD પણ જે કામ કરવા તૈયાર નહતું, તે કામ આ માધાપરની વિરાંગનાઓએ કરી બતાવ્યું છે.

એટલે આ દેશનો દરેક વ્યક્તિ દરેક પુરુષ-સ્ત્રી દેશ માટે મરી મીટવા તૈયાર છે. જો દેશના સૈનિકો સરહદ પર લડી રહ્યા છે, તો બીજા મોરચે દેશના નાગરિકો પણ દેશ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે.

No comments

leave a comment