સોમવારથી ભારતભરનાં શિવાલયો હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠશે. ત્યારે ગુજરાતમાં ભવનાથ મંદિરનું જો નામ લેવામાં આવે, ત્યારે ભક્તોને ગરવો ગિરનાર યાદ આવે. ગિરનારના ભવનાથ શિવાલય જેવું ભિલોડાનું 1300 વર્ષ જુનું ભુવનેશ્વર મહાદેવનું શિવાલય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાથી 6 કિ.મી. દૂર મઉ ગામ પાસે આવેલા ભુવનેશ્વર મહાદેવ મંદિરનું (Bhuvneshwar temple) મહાત્મ્ય પણ ભવનાથથી સ્હેજે ઊતરતું નથી.
ભુવનેશ્વર મંદિરની (Bhuvneshwar temple) સ્થાપનાની કહાણી
મઉ ગામ પાસે આવેલા ભુવનેશ્વર મંદિરની સ્થાપનાની કહાણી પણ રોચક છે. હાથમતી નદી અને ઇન્દ્રાસી નદીના સંગમ સ્થળે સ્થિત, ડુંગરોની વચ્ચે આ પવિત્ર સ્થાનનો મહિમા ઋષિમુનિઓના સમયથી ચાલતો આવે છે. 1300 વર્ષ જૂનું ભુવનેશ્વર મહાદેવનું મંદિર તેની વિરાસત, ઐતિહાસિક ધરોહર અને ભવ્ય વારસો સદીઓથી આ ભૂમિમાં સચવાયેલો છે.
આ દિવ્યભૂમિમાંથી હર હર મહાદેવની ગુંજ અરવલ્લીની ડુંગરમાળામાં ગુંજે છે. આ મંદિર અરવલ્લી ગિરીકંદરાઓ વચ્ચે આવેલું છે. દંતકથા પ્રમાણે આ મંદિરમાં સ્વયં પ્રગટ થયેલ શિવલિંગ છે. અહીં પૌરાણિક પાણીના કુંડમાં બારેમાસ પાણી રહે છે. જૂના ભવનાથ મંદિર (Bhuvneshwar temple) તરીકે જાણીતા આ મંદિરની સામે પાણીનો કુંડ છે, લોકવાયકા પ્રમાણે આ કુંડનું પાણી ગંગા નદી જેટલું શુદ્ધ છે. અને આ કુંડને ‘ભૃગુ કુંડ’ તરીકે ઓળખાય છે .
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તમામ ચામડીના રોગો મટે છે. મહાદેવનું મંદિર અને ભૃગુઋષિના પુત્ર અવન ઋષિનું મંદિર પરિસરમાં આવેલુ છે. પાણીના કૂંડની આસપાસ પૌરાણીક સ્થાપત્યો આવેલા છે. હાથમતી નદી અને ઇન્દ્રાસી નદીનો ડેમમાં જૂના ભવનાથ ગામ ડૂબી જતાં, ભિલોડામાં નવા ભવનાથ ગામ વસાવવામાં આવ્યુ છે. પરંતુ ભુવનેશ્વર મહાદેવ મંદિર અને 1300 વર્ષ જૂના સ્થાપત્યોને ડેમ સરોવરમાં બેટ બનાવીને સાચવવામાં આવ્યુ છે.
બે નદીઓ વચ્ચે આવેલા રસ્તાનો અદભુત નઝારો!
ચોમાસામાં મંદિર સુધી પહોંચવા માટે પાક્કો રસ્તો બનાવવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં વરસાદ દરમિયાન અહીંનુ વાતાવરણ મનોરમ્ય હોય છે. ચારે તરફ પાણી અને લીલોછમ ડુંગરોની હારમાળાની વચ્ચે હરહર મહાદેવની ગૂંજ શ્રાવણ મહિનામાં ગૂંજે છે. ભક્તિમાં તલ્લીન ભક્તો સાક્ષાત મહાદેવને શરણે પહોંચે ત્યારે આસ્થા પરાકાષ્ટાએ હોય છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અને શિવરાત્રીના દિવસે અહીં લોકમેળો ભરાય છે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે.
બે નદીઓ હાથમતી નદી અને ઇન્દ્રાસી નદીની વચ્ચે બનાવવામાં આવેલા રસ્તાથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે અંદર જાય છે. આ બનવવામાં આવેલા રસ્તાથી અદભુત નજરો બને છે. બંને બાજુ ધસમસ વહેતી નદીઓ વચ્ચેથી જયારે ભક્તો પસાર થાય છે, ત્યારે તે પણ અનહદ આનંદ અને ધન્યતા અનુભવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt