Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝબાળ સેવા સહાય યોજના

બાળ સેવા સહાય યોજના

Share Now

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે “બાળ સેવા સહાય યોજના”નું ઓનલાઇન લોન્ચિંગ કરાયું

કોરોનામાં મા-બાપનું છત્ર ગુમાવનાર બાળકોને આર્થિક સહાય કરવાનો રાજ્ય સરકારનો સ્તુત્ય અભિગમ

કોરોનામાં માબાપનો આશરો ગુમાવનારરાજકોટ જિલ્લાના ૫૮ બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ના તથા ચાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો વિતરિત કરાયા.

Bal sahay Yojna Rajkot

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીમાં માબાપનો આશરો ગુમાવનાર રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિમાસ રૂ. ૪૦૦૦ ની આર્થિક સહાય આપવાની “બાળ સેવા યોજના”નો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો.
બાળ સેવા સહાય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે રાજકોટ ખાતે પણ આ કાર્યક્રમ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ આ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોના લાભાર્થે રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે જે અન્વયે માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦૦૦ જમા કરવામાં આવશે. રાજ્ય સરકારે આદરેલુ આ પુણ્યનું કામ વધુને વધુ લોકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવનાર નાગરિકો આ યોજનાનો લાભ મેળવે, તે જોવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે આરંભાયેલ બાળ સેવા સહાય યોજના અંતર્ગત ૧૮ વર્ષ સુધીના જે બાળકોએ તેમના માતા-પિતા કોરોના ને લીધે ગુમાવ્યા છે તેવા ૫૮ બાળકોને આજે મહાનુભાવોના હસ્તે આ યોજનાની પાસબુક તથા શૈક્ષણિક કીટ એનાયત કરાઇ હતી. દાતાશ્રી હરેશભાઈ વોરાએ કોરોનાને લીધે માતા-પિતા ગુમાવનાર દસ વર્ષથી નાની ઉંમરની ચાર દિકરીઓને “સુકન્યા સમૃદ્ધિ યોજના” અંતર્ગત બેંકમાં ખાતું ખોલાવી દરેકના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦ જમા કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ અને શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મેહુલ ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ બેન વ્યાસ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલા, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ શ્રી ડી.વી મહેતા, સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ, લાભાર્થી બાળકોના પાલક માતા-પિતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ જુઓ : દીકરીઓનું યોગદાન સરંક્ષણ ક્ષેત્રે

બાળ સેવા યોજના વિષે આ પણ જાણો !

 કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના પરિવારના મુખ્ય કમાનાર પિતા અથવા માતા કે પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના જે લાભો જાહેર કર્યા છે તદ્અનુસાર,
Bal Sahay Yojna

  • 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા-પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂપિયા 4000 રાજ્ય સરકાર આ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અન્વયે આપશે.
  • જે બાળકોનો 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂપિયા 6000ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
  • 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂપિયા 6000ની સહાયનો લાભ મળશે. એટલે કે તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.

Bal Sahay Yojna

  • રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી (NTDNT) અને આર્થિકરીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
  • એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે. આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
  • 14 વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ આ ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે. જે દીકરીઓએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરિટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.

કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે. આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment