Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝકોરોના સામે લડનારા ડૉક્ટરોને ભારત રત્ન મળે: કેજરીવાલ

કોરોના સામે લડનારા ડૉક્ટરોને ભારત રત્ન મળે: કેજરીવાલ

Kejriwal
Share Now

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં CM કેજરીવાલે આ વર્ષે ‘ભારત રત્ન’ (Bharat Ratna 2021) ડોક્ટર્સ, નર્સ સહિત હેલ્થકેર વર્કર્સને આપવાની માંગ કરી છે.

PM મોદીને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું છે કે, કોરોના મહામારીની સમયે હેલ્થકેર વર્કર્સે જે પ્રકારે દેશની સેવા કરી છે, તેને ક્યારેય ભૂલી નહીં શકાય. કોરોના કાળમાં ફરજ બજાવવા દરમિયાન અનેક ડૉક્ટર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આથી સમગ્ર હેલ્થકેર કમિટીને સમ્માનિત કરવી જોએ. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે, આ વર્ષે ભારત રત્ન (Bharat Ratna 2021) ડૉક્ટરોને આપવામાં આવે. તેમને સમ્માનિત કરવાની અને તેમનો આભાર માનવાની આના કરતાં વધારે સારી કોઈ રીત ના હોઈ શકે.

CM કેજરીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દેશ ઈચ્છે છે કે, આ વર્ષે ભારત રત્નનું (Bharat Ratna 2021) સમ્માન ભારતીય ડૉક્ટરોને મળવું જોઈએ. કોરોના સામે જંગ લડતા-લડતા અનેક ડૉક્ટર્સ અને નર્સોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો આપણે તેમને ‘ભારત રત્ન’થી (Bharat Ratna 2021) સમ્માનિત કરીએ છીએ, તો તે તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે. લાખો ડૉક્ટરો અને નર્સોએ પોતાના જીવની દરકાર કર્યા વિના નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. તેમનું સમ્માન કરવાથી દેશ પણ ખુશ થશે.

PM મોદીએ પણ ડૉક્ટરોના વખાણ કર્યાં

તાજેતરમાં 1 જુલાઈએ નેશનલ “ડૉક્ટર્સ ડે”ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસથી લોકોના જીવ બચાવવામાં ડૉક્ટરોના યોગદાનના વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, એક વ્યક્તિનું મોત પણ દુ:ખદ છે. દેશમાં લાખો લોકોના જીવ કોરોનાથી બચ્યા છે, જેને તમામ શ્રેય આપણા ડૉક્ટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને જાય છે. જેઓએ કપરા સમયમાં પણ ખુદની પરવાહ કર્યા વિના લોકોની સેવા કરી છે.

આ પણ વાંચો:  રાફેલ ડીલનું ‘ભૂત’ ફરીથી ધુણ્યું, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાર-પલટવાર

કોરોના કાળમાં ડૉક્ટરોએ ગુમાવ્યા જીવ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા જૂનના મધ્યમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી 730 ડોક્ટરોએ કોરોનાની બીજી લહેર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. જે પૈકી બિહારમાં સૌથી વધુ 115 ડોક્ટરોના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે દિલ્હીમાં 109, ઉત્તર પ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, રાજસ્થાનમાં 43, ઝારખંડમાં 39 અને આંધ્ર પ્રદેશમાં 38 તબીબો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે કોરોનાની પ્રથમ લહેર 748 ડૉક્ટરોને ભરખી ચૂકી છે.

કોને આપવામાં આવે છે ભારત રત્ન?

‘ભારત રત્ન’ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. જે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવાઓમાં શ્રેષ્ઠ કામ કરનારા લોકોને આપવામાં આવે છે. આ સર્વોચ્ચ સમ્માનની સ્થાપના 2 જાન્યુઆરી, 1954માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. એક વર્ષમાં વધુમાં વધુ 3 વ્યક્તિઓને જ “ભારત રત્ન” આપી શકાય છે.

જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષોથી કોરોના મહામારી સામેની જંગ લડવામાં ડૉક્ટરોનું મહત્વનું યોગદાન રહ્યું છે. કોરોના સામેની જંગમાં જેટલા પણ પડકારો આવ્યા, ડોક્ટરો અને વૈજ્ઞાનિકોની ટીમે તેનો બખૂબી સામનો કર્યો અને અસરકારક દવાઓ બનાવી. સૌથી ખાસ વાત, જ્યારે આવા મુશ્કેલ સમયમાં આપણાં પોતાનાએ સાથ છોડી દીધો હોય, ત્યારે ડૉક્ટરો અને નર્સોએ સેવા કરીને દર્દીઓને નવી જિંદગી આપી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment