સૌરાષ્ટ્રની એક એવી પાવન ધરા કે જ્યાં એક સાથે થાય છે શિવ, સમુદ્ર અને સુર્યના દર્શન. આ પવિત્ર ધરા પર શિવની પૂજા અર્ચના ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષમણિજીએ કરી હતી. જ્યાં સ્વામિનારાયણ નિલકંઠ વરણી, સહજાનંદ સ્વામી, પરશુરામ, અને નરસિંહ મહેતાએ શિવની પૂજા કરી હતી. એવુ પૌરાણિક શિવમંદિર એટલે ગોપનાથ મહાદેવ (Gopnath Mahadev).
ગોપનાથ મહાદેવ (Gopnath Mahadev)નું ભવ્ય મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સમુદ્ર તટે આવેલું છે. આ શિવ મંદિર હજારો વર્ષ જૂનું છે. ગોપનાથ મહાદેવની સ્થાપના વિશે અલગ અલગ લોક માન્યતાઓ સંકળાયેલી છે. ગોપનાથ મંદિર પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન બનાવ્યું હોવાનું પણ મનાય છે.
Gopnath Mahadev પૌરાણિક કથા
બીજી લોકવાયકા પ્રમાણે સુરતથી એક ગાય સમુદ્રમાંથી અહીં આવી હતી અને ગાયના આંચળમાંથી એ જગ્યા પર દૂધ વહેતું થયુ હતું. તેથી શેઠ નૌકા લઈને આવ્યા અને જ્યાં ગાયના આંચળમાંથી દૂધ વહેતું હતુ ત્યાં ખોદાવ્યું તો શિવલિંગ મળી આવ્યું હતુ. ત્યારબાદ શેઠે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આવી અનેક લોકવાયકા ગોપનાથ મહાદેવ (Gopnath Mahadev) સાથે સંકળાયેલી છે.
દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શ્રદ્ધા સાથે ભાવિક ભક્તો અહીં આવે છે. સુપ્રસિદ્ધ ગોપનાથ મહાદેવના વિશાળ મંદિરનું વાતાવરણ સૌ કોઈ ભક્તનું મન મોહી લે છે. આ પવિત્ર અને ચમત્કારી શિવલિંગના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવે છે, શ્રદ્ધાળુઓ ભોળાનાથના શરણે આવી ભક્તિભાવમાં લીન થઈ જાય છે.
આ પણ વાંચોઃ- Harsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ
Gopnath Mahadev ની ભવ્યતા
આ વિશાળ મંદિરનું બાંધકામ ભાવનગરના રાજવીએ કરાવ્યું હતું. ભવ્ય ગોપનાથ મહાદેવના શિવાલયમાં વપરાયેલા પથ્થરો અને તેમાં કરેલી કોતરણી શિવાલયની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. વિશેષ મહિમા ધરાવતા ગોપનાથ મહાદેવના મંદિરમાં કૃષ્ણ મંદિર પણ આવેલુ છે.
શિલ્પ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ મંદિર વિષ્ણુ મંદિર જેવું જ બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે, હર હરીનો સમન્વય અહીં થાય છે. ગોપનાથ મહાદેવના શરણે આવેલા યાત્રાળુઓને નરસિંહ ભગવાન, બળિયા દેવ અને હનુમાન દાદા જેવા અનેક દેવી દેવતાઓના દર્શનનો લાભ મળે છે.
ગોપનાથ મહાદેવ (Gopnath Mahadev)ના નામમાં પણ એક કથા જોડાયેલી છે. ગોપ એટલે કૃષ્ણ અને નાથ એટલે મહાદેવ. એટલે જ તો આ ગોપનાથ મહાદેવમાં શ્વેત ધજા ફરકે છે. આ મંદિર ધોળી ધજાના દેવ તરીકે પણ પ્રખ્યાત છે . ઘોળી ઘજાવાળા દેવનું પૂજન અર્ચન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે.
ગોપનાથ મહાદેવ પર થાય છે દૂધનો અભિષેક
મહાદેવને બિલિપત્ર અને ઘતૂરો ચઢાવવાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તો વહેલી સવારથી શિવાલયે પહોંચી જાય છે. ખાસ શ્રાવણ માસ ભક્તિ અને શક્તિનો માસ હોવાથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. દૂર દૂરથી ભક્તો ગોપનાથ શિવાલય પહોંચી શિવલિંગ ઉપર દૂધાભિષેક અને જળાભિષેક કરે છે.
એવું પણ માનવામાં આવે છે કે, અહીં ભક્ત કવિ નરસિંહ મહેતાને આધ્યાતિમકતાનો અનુભવ થયો હતો. નરસિંહ મહેતાએ અહીં પૂજા અર્ચના કરી હોવાથી નરસિંહ મહેતાની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. આ પાવન ધરા પર આવીને અનેક સંત મહાત્માઓએ ગોપનાથ મહાદેવની આરાધના કરી છે.
સવંત 1458માં ચાર ધામની યાત્રા કરીને પરત ફરેલા લગ્ધીરસિંહજી વાજા રાઠોડે ગોપનાથ મહાદેવના નિભાવ માટે 1300 વીઘા જમીન મંદિરને આપી હતી. તેથી મંદિર પરિસરમાં તેમની પ્રતિમા મુકવામાં આવી છે.
પ્રાચીન ગોપનાથ મંદિર
પ્રાચીન ગોપનાથ મંદિરના પરિસરમાં ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે. ગોપનાથ મહાદેવના દર્શને આવતા યાત્રાળુઓ માટે મંદિર દ્વારા અન્નક્ષેત્ર અને રહેવા માટે અલાયદી સુવિધા કરવામાં આવી છે. તેમજ સમુદ્ર તટે મંદિર દ્વારા ગાયોની સેવા કરવામાં આવે છે..
સુંદર દરિયાકિનારે આવેલા ગોપનાથ મંદિરમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. મહાદેવ સાક્ષાત અહીં આશીર્વાદ આપતા હોય તેવી અનુભૂતિ થાય છે. ભાવનગરથી મહુવા વચ્ચેના દરિયા કિનારાની ભૂમિને સિદ્ધ ભૂમિ પણ કહેવાય છે. તો તમે પણ આવો સિદ્ધોની ભૂમિમાં, અને ધોળી ધજાના દેવ ભોળાનાથના દર્શન કરીને થઈ જાઓ ધન્ય.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4