પુરોહીતોના પારણા
છેલ્લા બે દિવસથી સોમનાથ ત્રિવેણી મહાસંગમમાં અસ્થી વિસર્જન કરવા અને પિંડદાન કરવાની મનાઈ ફરમાવવામાં આવતા પુરોહિતોએ ઘાટ પર જ હોબાળો મચાવ્યો હતો. અને ત્રિવેણી ઘાટ પર જ તીર્થ પુરોહિતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું. જો કે, આજે આ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જીલ્લા કલેકટર દ્વારા અસ્થિ અને પિંડદાન વિસર્જન પર પ્રતિબંધ હટાવવા સહમતી દર્શાવતા પુરોહીતોમાં ખુશી જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શુરુ થયેલા આ વિવાદમાં ગઈકાલે વિવાદ વધુ વકર્યો હતો. ત્યારે આ મુદ્દા પર સોમનાથ ટ્રસ્ટ અને તિર્થ પુરોહિતોની આજે બેઠક યોજાઈ હતી. જેમાં આ પ્રતિબંધ હટાવવા નિર્ણય લેવાયો હતો. અને ઉપવાસ આંદોલન પર ઉતરેલા તીર્થ પુરોહિતોને પારણા કરાવ્યા હતા. ત્યારબાદ તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે ત્રિવેણી સંગમમાં ફરી વિધિ વિધાન મુજબ પૂજાવિધિનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અસ્થી વિસર્જન પર પ્રતિબંધ લાગવવામાં આવતા ભૂદેવોએ કર્યો હતો વિરોધ
બે દિવસ પહેલા સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી મહસંગમ ખાતે અસ્થી વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવતા સ્થાનિક તીર્થ પુરોહિતો રોષે ભરાયા હતા. આ જાહેરનામાનો ભૂદેવો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને પિંડદાન કરવા માટે કુંડની બહાર અલગ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. પુરોહિતોને પિંડદાન કરવા જતા સિક્યુરીટી ગાર્ડ દ્વારા અટક્વવામાં આવતા ત્યાં જ પુરોહિતો, સિક્યુરીટી અને પોલીસ વચ્ચે હોબાળો મચી ગયો હતો.પુરોહિતો ત્યાં જ બેસી વિરોધ નોંધાવ્યો હતો. અંતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી અસલી કુંડમાં અસ્થી વિસર્જન કર્યું હતું.
બીજા દિવસે પણ મામલો વકર્યો
પ્રભાસ તીર્થમાં મોક્ષની ભૂમિ એવા ત્રિવેણી સંગમમાં આદિ અનાદિ કાળથી થતાં અસ્થિ વિસર્જન અને પિંડદાન કે પુષ્પો પધરાવવા પર એકાએક તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ લાદવામાં સતત બીજા દિવસે પણ મામલો ગરમાયેલો હતો. સોમનાથ ટ્રસ્ટ સિક્યુરિટી અને તીર્થ પુરોહિતો વચ્ચે ચકમક પણ થઈ ગઈ હતી અને બાદમાં તીર્થ પુરોહિતો દ્વારા જિલ્લા કલેક્ટરને રોષ ભેર આવેદનપત્ર પાઠવી પ્રતિબંધાત્મક જાહેરનામું પરત ખેંચવા રજુઆત કરી હતી. પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ના આવતા આજ સવાર થી તીર્થ પુરોહિતો સહપરિવાર ત્રિવેણી સંગમ ઘાટ પર ઉપવાસ પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તીર્થ પુરોહિતોના ઉપવાસ આંદોલનના પગલે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, નગરપાલિકા પ્રમુખ, હિન્દૂ સમાજના આગેવાનો ત્રિવેણી સંગમ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા અને વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો હતો.
અંતે સુખદ અંત
સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, પવિત્ર ત્રિવેણી નદીમાં પ્રદુષણનું પ્રમાણ વધતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ત્રિવેણી નદીના પ્રદૂષણને અટકાવવા તાકીદ કરતા ત્રિવેણી નદીમાં અસ્થિ અને પિંડદાન વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ અંતે જીત પુરોહિતોની થઇ છે અને પુરોહીતોના એક દિવસના ઉપવાસ આંદોલન બાદ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. બાદમાં પુરોહિતોને પારણા પણ કરાવવામાં આવ્યા હતા.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt