Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeટ્રાવેલશું તમે જાણો છો ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ છે હવા મહેલ ?

શું તમે જાણો છો ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ છે હવા મહેલ ?

Share Now

136 વર્ષ જૂના  સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ હવા મહેલનું બાંધકામ કેમ અધુરૂ રહ્યું જાણો છો?

ગુજરાતમાં વસતા અને પાક્કા ગુજરાતી હોય તેમને પણ સુરેન્દ્રનગરના વઢવાણમાં (Vadhvan Hawa Mahel) આવેલા હવામહેલ વિશે નહીં ખબર હોય. હવા મહેલની વાત આવે એટલે આપણને જયપુરનો હવામહેલ જ યાદ આવે. પણ ખુબ ઓછા લોકોને ખબર હશે કે અમદાવાદથી 111 કીલોમીટર દૂર સુરેન્દ્ર નગરના વઢવાણમાં પણ એક હવા મહેલ આવેલો છે. પૌરાણિક સ્થાપત્યકલાના જાણકાર અને શોખીનોએ તો સુરેન્દ્રનગરનો હવા મહેલ ચોક્કસ જોયો હશે. ભલે તે જયપુરના હવા મહેલ જેટલો જાણીતો ન હોય પણ બાંધકામ અને સ્થાપત્યકળાની દ્રષ્ટિએ તેને પણ ટક્કર મારે તેવો છે. તો જે લોકો પોતાને પાક્કા ગુજરાતી કહેવડાવે છે તેમણે આ ગુજરાતના છત વગરના હવા મહેલની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

હવા મહેલનું અદભૂત સ્થાપત્ય

સુરેન્દ્રનગરના વઢવાણમાં પહેલા ઝાલા રાજપૂતોનું શાસન હતું એટલે જ આ વિસ્તારને ઝાલાવાડ પણ કહેવામાં આવે છે. ઝાલા રાજપૂતોની વહીવટી કુશળતાના ચોતરફ વખાણ થતા. આ સાથે જ સંસ્કૃતિ અને કળા પ્રત્યે પણ તેમને હંમેશા માન રહેતું. બહારી આક્રમણોથી પોતાની પ્રજાને બચાવવા તેમણે કિલ્લા બનાવડાવ્યા હતા. જૈનોના તીર્થંકર વર્ધમાનના નામ પરથી આ શહેરનું નામ ‘વર્ધમાન’ પડ્યું હતું જે અપભ્રંશ થઈને ‘વઢવાણ’ થયું હતું. 18મી અને 19મી સદીમાં રાજા દિવાન બહાદૂરના રાજમાં અનેક ઐતિહાસિક ઈમારતોનું બાંધકામ આ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

hava mahel

છત વગરના હવા મહેલનું સ્થાપત્ય છે અદભૂત

ઝાલા રાજપૂતોએ જ અહીં હવા મહેલનું બાંધકામ કરાવ્યું હતું. આ મહેલની સુંદર સ્થાપત્યકલાને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય તેટલી સુંદર આ જગ્યા છે. પણ કમનસીબી એ કે આ મહેલનું બાંધકામ ક્યારેય પુરૂ ન થઈ શક્યું. પણ અત્યારે આપણે જે સ્ટ્રક્ચર અહીં જોઈએ છીએ તેના પરથી તે સમયના સ્થાપત્યકારો અને કારીગરોની સમજ અને કલાનો ખ્યાલ આવે છે. ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરમાં જૈન ધર્મને લગતા અનેક સ્થાપત્યો જોવા મળે છે. અહીં પણ બે મુખ્ય મહેલ આવેલા છે એક હવા મહેલ અને બીજો રાજ મહેલ. રાજ મહેલ 19મી સદીમાં રાજા બાલસિંહજીનો મહેલ હતો જ્યાં અદભૂત ગાર્ડન, ફૂવારા અને તળાવ જોવા મળે છે. આ સાથે જ અહીં ક્રિકેટની પીચ અને ટેનિસ કોર્ટ પણ જોવા મળે છે જેના પરથી સમજી શકાય છે કે રાજા રમત-ગમતના પણ એટલા જ શોખીન હતા.

હવા મહેલ અને ઝાલા વંશનો રસપ્રદ ઈતિહાસ

હવા મહેલનું બાંધકામ પણ ઝાલા વંશ દરમિયાન જ કરાવવામાં આવ્યું હતું. પણ તેનું જે બાંધકામ બાકી રહી ગયું તે હિસ્સો કિલ્લાની બહારની તરફ છે. અને તેનું કામ અનેક તબક્કામાં અઘુરૂ દેખાય છે. બાંધકામમાં તે સમયના કોતરણીકારોની શૈલી પણ ઉડીને આંખે વળગે છે. મૂર્તિ અને સ્થાપત્ય કલા માટે જાણીતા સોમપુરા કલાકારો જેમના પૂર્વજોએ જ્યાર્તિલિંગ સોમનાથ જેવા મંદિરોનું નિર્માણ કર્યું હતું તેમણે જ આ હવા મહેલનું બાંધકામ પણ કર્યું હતું. તેમની પેઢીઓએ એ પછી ગુજરાતમાં અનેક હિન્દુ અને જૈન મંદિરોનું શિલ્પકામ કર્યું હતું અને હજુ પણ કરે છે.

hawa mahel

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલો છે હવા મહેલ

હવા મહેલ અહીંના રાજવી દાજી બાપુનું આ અધુરૂ સ્વપ્ન છે જે પુરૂ થઈ શક્યું નહોતું. તેમણે વિચાર્યું હતું કે વઢવાણમાં એક એવો મહેલ બનાવવામાં આવે કે દેશ પરદેશથી લોકો તેને જોવા આવે. ચારે તરફ પાણી હોય અને વચ્ચે ભવ્ય ઈમારત હોય તેવી તેમની પરિકલ્પના હતી. પણ માત્ર 24 વર્ષની ઉંમરે તેનું અવસાન થઈ ગયું. તેઓ ઘણું ભણેલા અને અભ્યાસુ હતા. બ્રિટિશરો દ્વારા સ્થાપિત રાજકુમાર કોલેજની પહેલી બેચના તેઓ વિદ્યાર્થી હતા. સમગ્ર ગુજરાતના 11 રાજકુમારો તે સમયે અહીં ભણતા હતા. 20 વર્ષની ઉંમરે તેમને વઢવાણની રાજગાદી સોંપવામાં આવી હતી. વઢવાણના રાજવી બન્યા બાદ તેઓ આખુય ભારત ફર્યા. યુરોપના અનેક દેશો પણ તેઓ ફર્યા. ત્યારબાદ તેમણે હવામહેલનું બાંધકામ શરૂ કરાવ્યું. મહેલ માટે ગ્લાસ બેલ્જિયમથી મંગાવવામાં આવ્યા. વિવિધ દેશોમાંથી કાર્પેટ અને ફર્નિચર મંગાવવામાં આવ્યા. પણ અચાનક તેમની તબિયત બગડી. તેમને ટીબી થઈ ગયો. અનેક વૈદોએ પ્રયત્ન કર્યો પણ તેમની સારવાર ન થઈ શકી. અને દાજીરાજ સિંહનું અકાળે અવસાન થયું. ત્યારબાદ તેમના નાના ભાઈએ રાજગાદી સંભાળી પણ તે સમયે જૂનવાણી વિચારધારાને કારણે નવા રાજાએ આ બાંધકામને અપશુકનિયાળ માનીને તેને ફરી શરૂ ન કરાવ્યું. એવી પણ વાત પ્રચલિત છે કે અહીંના શાસક દાજીરાજ સિંહે એકવાર બ્રિટનની મહારાણી ક્વિન વિક્ટોરિયાને વઢવાણ સ્ટેટ આવવાનું આમંત્રણ પાઠવ્યું. તેમના રોકાણ માટે તેમણે હવા મહેલ બનાવડાવાની શરૂઆત કરી. ગોરાઓને ગરમી બહુ લાગતી હોવાથી ચારે તરફ પાણીથી ઘેરાયેલો હવા મહેલ બનાવવાનો વિચાર તેમણે કર્યો અને તેનું બાંધકામ પણ શરૂ કરાવ્યું. એટલે જ બાંધકામ એવીરીતે કરાવવામાં આવ્યું કે હવા મહેલમાં વધારે ઠંડી કે ગરમીનો અનુભવ ન થાય.

સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ હવા મહેલ આપણા ગુજરાતમાં છે. પણ કમનસીબી એ છે કે 136 વર્ષથી આ હવા મહેલ આ જ સ્થિતિમાં છે. કોઈએ તેની જવાબદારી લીધી નથી. આર્કિયોલોજી, કે ટુરિઝમ વિભાગે પણ આ ઐતિહાસિક સ્થળની જવાબદારી લીધી નથી.

અહીંયા વાંચો: ગુજરાતનો તાજમહેલ : રાણકી વાવ

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment