દેશની ઐતિહાસિક અને ભૌગોલિક પ્રકૃતિ નક્કી કરવા માટે 26 ઓક્ટોબરનો દિવસ ખૂબ જ ખાસ છે. વિભાજન પછી, કાશ્મીરના ડોગરા વંશના મહારાજા હરિસિંહે 26 ઓક્ટોબર 1947ના રોજ તેમના રાજ્યને ભારતમાં વિલિન કરવાનો નિર્ણય કર્યો હતો. અને કશ્મીરના ભારતમાં ભળવાના કરાર પર હસ્તાક્ષર થતાં જ ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પહોંચી હતી. અને પાકિસ્તાની સેન સામે મોરચો ખોલ્યો હતો. આ યુદ્ધમાં કાશ્મીરના અમુક વિસ્તાર પર પાકિસ્તાને કબ્જો કરી લીધો હતો. કાશ્મીર આજ સુધી બંને દેશોના સંબંધોમાં તણાવનું કારણ રહ્યું છે. ત્યારે આ નિર્ણયની 74મી વર્ષગાંઠ પર, ચાલો સમગ્ર ઘટનાક્રમ પર એક નજર કરીએ
એ સમય કે જ્યારે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ રહ્યું હતું, ત્યારે બ્રિટિશ રાજે તમામ હાલના રજવાડાઓ અને રાજાશાહીઓને ઓફર કરી હતી કે તેઓ ભૌગોલિક પરિસ્થિતિઓના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાન એ બંને દેશોમાંથી ગમે તે એક સાથે ભળી જાય. ત્યારે જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે ઘોષણા કરી હતી કે, અમારે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવા માંગતા નથી. અમે સ્વતંત્ર રહીને અમારી સ્વતંત્ર ઓળખ સાથે રહેવાનું પસંદ કરીશું. જો કે, તેમના નિર્ણય બાદ એવી પરીસ્થિતિ ઊભી થઈ કે હરિસિંહે કાશ્મીરને ભારતમાં વિલય થવું પડ્યું હતું.
મહારાજા હરિસિંહે 1925માં કાશ્મીરની ગાદી સંભાળી
મહારાજા હરિસિંહ 1925માં કાશ્મીરની ગાદી પર બેઠા હતા. તેઓ તેમનો મોટાભાગનો સમય બોમ્બેના રેસકોર્સ અને તેમના રજવાડાના વિશાળ જંગલોમાં શિકાર કરવામાં પસાર કરતા હતા. ત્યારે કાશ્મીરમાં તેમના સૌથી મોટા વિરોધી શેખ અબ્દુલ્લા હતા. અબ્દુલ્લાનો જન્મ શાલ વેચતા વેપારીના ઘરે થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી M.Sc કર્યું હતું. શેખ અબ્દુલ્લાને વાંચનનો શોખ હોવા ઉપરાંત, તેઓ એક સારા વક્તા પણ હતા. તેઓ હમેશાં પોતાની વાતને દલીલો અને હકીકતો સાથે રાખતા હતા.
શેખ અબ્દુલ્લાએ હરિસિંહ સામે અવાજ ઉઠાવ્યો
શેખ અબ્દુલ્લા એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતાં હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે મુદલીમો સાથે થતાં ભેદભાવો મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. શેખ અબ્દુલ્લાએ 1932 માં મહારાજા હરિસિંહ સામે વધતા અસંતોષને અવાજ આપવા માટે ઓલ જમ્મુ-કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સની રચના કરી હતી. છ વર્ષ બાદ, તેમણે તેનું નામ બદલીને નેશનલ કોન્ફરન્સ કર્યું હતું. જેમાં હિન્દુ અને શીખ સમુદાયના લોકો પણ જોડાવા લાગ્યા હતા. આ દરમ્યાન શેખ અબ્દુલ્લા અને જવાહરલાલ નેહરુ વચ્ચેના સબંધો ગાઢ બન્યા હતા. બંને નેતાઓન હિન્દુ-મુસ્લિમ એકતા અને સમાજવાદ પર એકમત હતા. 1940ના દાયકામાં અબ્દુલ્લા કાશ્મીરના સૌથી લોકપ્રિય નેતા બની ગયા હતા. આઝાદી પહેલા, અબ્દુલ્લાએ કાશ્મીરમાં લોકશાહી લાગુ કરવા માટે ચળવળ શરૂ કરી હતી. જેને કારણે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:જાણો એક મહાન દેશભક્ત વીર દુર્ગાદાસ રાઠોડનો ઇતિહાસ…
મહારાજા તેમના રાજ્યને તંત્ર રાખવા માંગતા હતા
મહારાજા હરિસિંહના મનમાં કાશ્મીરને સ્વતંત્ર રાજ્ય રાખવાનો વિચાર ઘર કરી ગયો હતો. પરંતુ સપ્ટેમ્બર 1947ની આસપાસ એવા અહેવાલો આવ્યા હતા કે પાકિસ્તાન મોટી સંખ્યામાં ઘૂસણખોરોને કાશ્મીર મોકલવા માંગે છે. આ દરમિયાન, 25 સપ્ટેમ્બર 1947ના રોજ મહારાજાએ શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કર્યા હતા.
કશ્મીરને પૂર્વનું સ્વિત્ઝર્લેન્ડ બનાવવાની મહત્વાકાંક્ષા
ડોમિનિક લેપિયરનું પુસ્તક “ફ્રીડમ એટ મિડનાઈટ” પ્રમાણે મહારાજા હરિસિંહ હજુ પણ આઝાદ કાશ્મીરના સ્વપ્નમાં જીવી રહ્યા હતા. 12 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ અને કાશ્મીરના નાયબ વડાપ્રધાને દિલ્હીમાં કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા માંગીએ છીએ. મહારાજાની મહત્વાકાંક્ષા કાશ્મીરને પૂર્વનું સ્વિત્ઝર્લેન્ડ બનાવવાની છે.એવો દેશ જે એકદમ તટસ્થ હશે.તેમણે વધુમાં કહ્યું કે બંને દેશોમાંથી કોઈ પણ દેશ અમારી વિરુદ્ધ બળપ્રયોગ કરશે તો અમે અમારા આ અભિપ્રાય પર વિચાર કરીશું.
પાકિસ્તાની સેનાએ કર્યો હુમલો
જમ્મુ કશ્મીરના નાયબ વડાપ્રધાને દિલ્હીમાં આપેલ નિવેદનના માત્ર બે અઠવાડિયા બાદ હજારો સશસ્ત્ર પાકિસ્તાની સેનાએ ઉત્તરથી રાજ્ય પર હુમલો કર્યો હતો. 22 ઓક્ટોબરે પાકિસ્તાની સેના ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંત અને કાશ્મીર વચ્ચેની સરહદ પાર કરી અને રાજધાની શ્રીનગર તરફ ઝડપથી આગળ વધી હતી.
મહારાજાએ ભારત પાસે મદદ માંગી
વીપી મેનને તેમના પુસ્તક “પોલિટિકલ ઈન્ટિગ્રેશન ઓફ ઈન્ડિયા”માં લખ્યું છે કે, “24 ઓક્ટોબરે મહારાજાએ ભારત સરકારને સૈન્ય સહાયતા માટે સંદેશ મોકલ્યો હતો. બીજા દિવસે દિલ્હીમાં ભારતની સુરક્ષા સમિતિની બેઠક મળી હતી. વી.પી. મેનનને તરત જ જહાજ મારફતે શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. વી. પી, મેનને મહારાજા હરિસિંહને હુમલાખોરોથી સુરક્ષિત રહેવા માટે જમ્મુ જવાની સલાહ આપી હતી. નેહરુ પાકિસ્તાની સેના સામે લડવા માટે ભારતીય સૈન્યને તાત્કાલિક કાશ્મીર મોકલવા માટે તૈયાર હતા. પરંતુ માઉન્ટબેટને તેમને આમ કરવાની ના પાડી હતી. માઉન્ટ બેટને જવાહરલાલ નહેરુને કાશ્મીરમાં સૈન્ય મોકલતા પહેલા કશ્મીરને ભારતમાં વિલીનીકરણ કરવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીરનું ભારતમાં કાનૂની વિલીનીકરણ વિના તેઓ બ્રિટિશ અધિકારીઓને ભારતીય સેના સાથે જવા દેશે નહીં. ત્યારબાદ 26 ઓક્ટોબરે વીપી મેનનને ફરીથી જમ્મુમાં મહારાજા પાસે મોકલવામાં આવ્યા હતા. ત્યાં વી. પી. મેનને મહારાજા સાથે કશ્મીરના ભારતમાં વિલીનીકરણના કાગળ પર સહી કરાવી હતી. ત્યાંરબાદ તેઓ દિલ્હી આવ્યા હતા.
ભારતીય સૈનિકો શ્રીનગર પહોંચવા લાગ્યા
કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થતાં જ માઉન્ટબેટનની ખચકાટને ધ્યાનમાં લીધા વિના ભારત સરકારે ભારતીય સૈનિકોથી ભરેલા વિમાનો શ્રીનગર મોકલવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન હુમલાખોરો શ્રીનગરથી થોડે દૂર હતા. જ્યારે ભારતીય સેનાની પ્રથમ ટુકડી શ્રીનગર એરપોર્ટ પર પહોંચી તે પહેલા જ પાકિસ્તાની હુમલાખોરો એરપોર્ટની સરહદ સુધી પહોંચી ગયા હતા. જો તે સમયે પાકિસ્તાની હુમલાખોરો એરપોર્ટ પર કબ્જો મેળવી લીધો હોટ તો ભારતીય વિમાનોને ત્યાં ઉતારવા મુશ્કેલ હતા.
ભારતીય સેનાએ હુમલાખોરોને તગેડી મૂક્યા
આ પછી ભારતે ઉરી સુધીના વિસ્તારમાંથી પાકિસ્તાની હુમલાખોરોને ત્યાંથી બહાર તગેડી મૂકીને કશ્મીરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. કાશ્મીરને લઈને બહાર-પાકિસ્તાન એમ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો. પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી સંયુક્ત સુરક્ષા સમિતિની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવ્યા ત્યાં સુધી આ ચાલુ રહ્યું હતું. તેઓ અને નહેરુએ સંમત થયા હતા કે પાકિસ્તાન હુમલાખોરોને લડાઈ બંધ કરવા અને બને તેટલી વહેલી તકે પાછા ફરવા માટે કહેશે. અને ભારત તેની મોટાભાગની સેના પણ પાછી ખેંચી લેશે. તેમજ સંયુક્ત રાષ્ટ્રને લોકમત માટે કમિશન મોકલવા માટે કહેવામાં આવશે.
કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો એ મોટી ભૂલ સાબિત થઈ
માઉન્ટબેટનની સલાહ પર ભારત આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયુ હતું. ભારત માટે આ એક મોટી ભૂલ સાબિત થઈ હતી. ઘણા ભારતીય નેતાઓ આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાના પક્ષમાં ન હતા, કારણ કે તેમને ડર હતો કે બ્રિટન પાકિસ્તાનને સમર્થન આપશે. અને તે ભારતીય નેતાઓનો ડર સાચો પડ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટને સાથે મળીને કાશ્મીરમાં અબ્દુલ્લા સરકારને હટાવવાની અને લોકમત ન થાય ત્યાં સુધી કાશ્મીરને સંયુક્ત રાષ્ટ્રના નિયંત્રણ હેઠળ લાવવાની માંગ કરી હતી.
મહારાજા રાજ્યના બંધારણીય વડા રહ્યા
ભારત સાથે વિલીનીકરણ બાદ જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે જમ્મુ અને કાશ્મીરના રાજકીય સંબંધો વિશે વાત કરી હતી. આ હેઠળ, તેઓ રાજ્યના બંધારણીય વડા તરીકે રહ્યા, પરંતુ શેખ અબ્દુલ્લાને કટોકટી પ્રશાસક તરીકે નિયુક્ત કરીને, તેમને રાજ્યમાં સરકાર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી તેમને 05 માર્ચ 1948ના રોજ રાજ્યના વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ કશ્મીરને વિશેષ રાજ્યોનો દરજ્જો આપનાર અનુચ્છેદ 370 બાદમાં ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તરત જ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે રાજ્યમાં 35A લાગુ કરવાની મંજૂરી આપી દીધી હતી. 1954માં જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ બનાવવામાં આવ્યું હતું. તે પછી ધીરે ધીરે કાશ્મીરમાંથી રાજવંશ ગાયબ થઈ ગયો હતો.
કાશ્મીર રાજ્યમાં પ્રથમ ચૂંટણી
1957માં જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સનો વિજય થયો હતો અને પાર્ટીના નેતા બક્ષી ગુલામ મોહમ્મદ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં 11 વિધાનસભા ચૂંટણી થઈ છે. 2014ની ચૂંટણીમાં પીડીપી અને ભાજપે રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી હતી, પરંતુ વર્ષ 2018માં ભાજપે મહેબૂબા મુફ્તી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ ત્યાં નિયમાનુસાર રાજ્યપાલ શાસન લાગુ થયું હતું.
2019 માં કલમ 370માં મહત્વપૂર્ણ ફેરફારો
ભારત સાથે વિલીનીકરણ પછી, કલમ 370 અને 35A દ્વારા કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં કલમ 370માં સુધારો કરીને તેમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જો કે કલમ 370 સંપૂર્ણપણે હટાવવામાં આવી નથી, પરંતુ જે રીતે પ્રથમ બે જોગવાઈઓ બદલાઈ છે, તેનાથી આ રાજ્ય પર કેન્દ્રની પકડ માત્ર મજબૂત બની છે. જો કે સરકારે 35-Aને સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ સાથે આ સમગ્ર રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક જમ્મુ અને કાશ્મીર અને બીજું લદ્દાખ – આમાં, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલી વિધાનસભા રહેશે અને લદ્દાખ સંપૂર્ણ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. હાલ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પંચ સીમાંકનની પ્રકિરીયા કરી રહ્યું છે. સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્યાં ચૂંટણી યોજાઇ શકે છે. અને જમ્મુ કશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4