Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝઇમિટેશનની માર્કેટ મરણ પથારીએ, 6500 યુનિટ બંધ

ઇમિટેશનની માર્કેટ મરણ પથારીએ, 6500 યુનિટ બંધ

Imitation
Share Now

રાજકોટમાં બોલિવૂડ-ટીવી સિરિયલ્સ માટે ઘરેણાં બનાવતી દેશની સૌથી મોટી ઇમિટેશનની માર્કેટ મરણ પથારીએ, 6500 યુનિટ બંધ, 3 લાખ બેકાર, 2 મહિનામાં 5-6 કારીગરનો આપઘાત

  • લોખંડ, ઝિંક, કોપર, મોતી, ડાયમંડ, મીણ, બ્રાસ અને પ્લાસ્ટિકના ડબ્બાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો.
  • ધાતુના ભાવવધારાથી લોકોમાં ખરીદી ઘટતાં વેપારીઓએ કારખાનાં બંધ કરવાં પડે એવી સ્થિતિનું નિર્માણ થયું.

રાજકોટનું ઇમિટેશન માર્કેટ દેશનું સૌથી મોટું માર્કેટ છે. અહીંની ઇમિટેશન જ્વેલરી વિશ્વના 56 જેટલા દેશોમાં એક્સપોર્ટ થાય છે. જોકે કોરોનાની બીજી લહેર બાદ આ ઉદ્યોગને મંદીનું એવું ગ્રહણ લાગી ગયું કે હજી સુધી ઊભો થઈ શક્યો નથી. ધાર્મિક સ્થાનો, મેળાવડા, લગ્નપ્રસંગ અને વિદેશ સાથેનો વ્યવહાર બંધ હોવાથી ઇમિટેશન માર્કેટમાં મંદી ફરી વળી છે. વેપાર-ધંધો ઓછો હોવાને કારણે માલની નિકાસ થતી નથી. પરિણામે ઉત્પાદન કરેલી જ્વેલરી પડી રહી હોવાથી નવું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી છે. રિટેઇલ વેપારી નરેન્દ્રભાઇ મહેતાના કહેવા પ્રમાણે, હાલમાં બજારમાં લોકોની માગ ખૂબ જ ઓછી છે, જેથી હોલસેલ ખરીદી બંધ કરવી પડી છે. શહેરમાં 15 હજાર યુનિટમાંથી 6500 યુનિટ બંધ કરવાથી 3 લાખ લોકોની રોજગારી પર સીધી અસર થઇ છે. છેલ્લા બે મહિનામાં ઇમિટેશનના 5-6 કારીગરે આપઘાત કર્યાનું પણ બહાર આવ્યું છે.

Imitation

બોલીવૂડથી લઇ ટીવી સિરિયલમાં ઇમિટેશન જ્વેલેરીની બોલબાલા

ઉલ્લેખનીય છે રાજકોટ ઇમિટેશન જ્વેલરી બોલીવૂડથી લઇ ટીવી સિરિયલ માટે પણ બનાવવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે રાજકોટની ઇમિટેશન જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવે છે. બાલિકાવધૂ, ક્યૂકી સાસ ભી કભી બહુ થી સહિતની અનેક ટીવી સિરિયલમાં રાજકોટથી ઇમિટેશન જ્વેલરીનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમજ સંજય લીલા ભણશાલીની ફિલ્મોમાં પણ રાજકોટની ઇમિટેશનની જ્વેલરી મોકલવામાં આવે છે.

ભાવવધારો અને ઓછી માગને કારણે વેપારીઓને ડબલ માર

નરેન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ, હોલસેલ માર્કેટ અને પ્રોડક્શન યુનિટ ધરાવતા વેપારીઓને બમણો માર પડ્યો છે. એક તરફ બજારમાં માગ ઓછી હોવાને કારણે મંદી છે અને બીજી તરફ કેટલીક ધાતુઓના ભાવમાં વધારો થયો છે, આથી ઇમિટેશન જ્વેલરીના ભાવમાં ધરખમ વધારો થયો છે. ઇમિટેશનમાં વપરાતાં લોખંડ, ઝિંક, કોપર, મોતી, ડાયમંડ, મીણ, બ્રાસ અને પ્લાસ્ટિકના ડબ્બાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે, જેને કારણે ઇમિટેશનના ભાવમાં પણ તેજી આવી છે, જેની સામે લોકોમાં ખરીદી ન હોવાથી વેપારીઓએ કારખાના બંધ કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ જુઓ : શ્રી જ્ઞાનસાધના આશ્રમ

ઇમિટેશનમાં 6 લાખ લોકોને રોજગારી મળતી હતી

અત્યારસુધી રાજકોટમાં 15 હજાર જેટલા ઇમિટેશનના નાના-મોટા યુનિટ હતા, જેમાંથી હાલમાં 6500 જેટલા યુનિટ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે કારખાનામાં કામ કરતા કારીગર અને ઘરે બેસીને કામ કરતા 6 લાખ જેટલા કારીગરોને આ ઉદ્યોગમાં રોજગારી મળતી હતી, જેમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. મજૂરી ન મળતાં આ વ્યવસાય સાથે જોડાયેલા રોજમદાર કારીગરોને ઇમિટેશનની દુકાનમાં અથવા અન્ય જગ્યાએ નોકરીએ લાગવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

કંઈ કંઈ વસ્તુમાં કેટલો ભાવવધારો થયો

વસ્તુ જૂનો ભાવ(કિલોમાં) નવો ભાવ(કિલોમાં)
કોપર 450 750
મોતી 130 195
ડાયમંડ 20 32(ગ્રુસ)
પ્લાસ્ટિક ડબ્બા 150 245
બ્રાસ 350 600
લોખંડ 120 185
ઝિંક 210 285
મીણ 600 900
ગ્લાસબીઝ 250 375

ત્રણ લાખ કારીગરોની રોજગારી પર સીધી અસર

આ તરફ ઇમિટેશન માર્કેટ એસોસિયેશનના પ્રમુખ જિગ્નેશ શાહે સરકાર પાસે રાહતની માગ કરી છે. તેમના કહેવા પ્રમાણે, આ ઉદ્યોગને સરકાર ઔદ્યોગિક દરજ્જો આપે તો ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે છે. હાલની સ્થિતિ ખૂબ જ વિકટ છે અને ઇમિટેશનના કારીગરોને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલી લહેરમાં સ્થિતિ સારી હતી, પરંતુ બીજી લહેર બાદ માગ ખૂબ જ ઓછી હોવાથી આ ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે..

Imitation

મંદીને કારણે લોકો આત્મહત્યા કરવા લાગતાં ભય ઊભો થયો

જિજ્ઞેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનામાં ઇમિટેશનનો ધંધો પડીભાંગ્યો છે. પહેલા લોકડાઉન પછી માર્કેટમાં તેજી હતી, પરંતુ બીજી લહેર બાદ ધંધો પડીભાંગ્યો છે. દરેકમાં ભાવવધારો આવતાં માર્કેટ દબાયું અને એકદમ બંધ થવા આવી રહ્યું છે. પ્રોડક્શન બંધ થવાથી વેચાણ થઈ શકતું નથી. ઇદની સીઝન ફેલ થઈ છે. જન્માષ્ટમી અને નવરાત્રિની સીઝન પણ ફેલ જશે. છેલ્લા પોણાબે વર્ષથી ધંધામાં સતત માર પડતાં યુનિટો બંધ થઇ રહ્યા છે. કોરોનામાં તો લોકો મૃત્યુ પામ્યા એની સામે મંદીને કારણે ઇમિટેશનના ધંધામાં સંકળાયેલા લોકો આત્મહત્યા કરી લે છે એનો ભય સતત સતાવી રહ્યો છે.

સરકાર આ ઉદ્યોગની મદદે આવે એવી માગ

રાજકોટની ઇમિટેશન માર્કેટમાં તૈયાર થતા દાગીના સાચા દાગીનાઓને પણ ટક્કર મારે એવા તૈયાર થાય છે. આફ્રિકન દેશો સહિત 56 જેટલા દેશોમાં આ ઇમિટેશન માર્કેટની બોલબાલા છે. ચીનને ઇમિટેશન માર્કેટમાં સીધી રીતે ટક્કર આપી શકે એવું રાજકોટનું માર્કેટ છે, પરંતુ કોરોનાનું ગ્રહણ આ ઉદ્યોગને લાગ્યું છે ત્યારે સરકારે આ એની મદદે આવે એ એટલું જ જરૂરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment