Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeભક્તિનિર્જળા એકાદશીનું શું છે ધાર્મિક મહત્વ અને કેવીરીતે કરશો આ વ્રત!

નિર્જળા એકાદશીનું શું છે ધાર્મિક મહત્વ અને કેવીરીતે કરશો આ વ્રત!

Share Now

જેઠ સુદ એકાદશી એટલે હિંદુ પંચાગ અનુસાર નિર્જળા એકાદશી. જેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વર્ષમાં આમતો 24 એકાદશી આવે છે પણ આ એક એકાદશી એવી છે જે કરવાથી વર્ષ ભરની એકાદશી કરવાનું પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ વ્રત કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ઉપવાસ કરે છે અને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે વિષ્ણુ પૂજા અને દાન કરવાથી જીવન સુખમય અને શાંતિમય પસાર થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીને નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે.

નિર્જળા એકાદશી સાથે જોડાયેલી કથા

image : google

મહર્ષિ વેદવ્યાસે પાંચેય પાંડવોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. પાંડવો, માતા કુંતી અને દ્રોપદીએ આ વ્રત કરવાનું શરૂ કર્યું. તેઓ દર મહિને એકાદશીનું વ્રત કરવા લાગ્યા. પણ ભીમ જમ્યા વગર બિલકુલ રહી નહોતા શકતા. તેથી તેમનું વ્રત સંપન્ન થતુ નહોતું. મહિનામાં બે વાર તેમને ભૂખ્યા રહેવાનું તેમના માટે સૌથી અઘરૂ કામ હતું. કુંતી માતા આ વાતને લઈને ચિંતિત રહેવા લાગ્યા. ભીમને ભૂખ્યા ન રહેવું પડે અને તેમ છતાં પરિવારને એકાદશીનું ફળ પ્રાપ્ત કેવીરીતે થઈ શકે તે જાણવા માટે તેઓ ફરી વેદવ્યાસ પાસે પહોંચ્યા. ભીમે વેદવ્યાસને વિનંતિ કરીને કહ્યું કે, હે ગુરૂદેવ! હું પૂજાપાઠ કરી શકું, આખો દિવસ એક પગ પર ઉભા રહીને તપ કરી શકું પણ મારા પરિવારની જેમ ભૂખ્યો નહીં રહી શકું. વેદવ્યાસે કહ્યું કે જો તારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો આ વ્રત કરવું જરૂરી છે. પણ એકાદશીનું જ એક વ્રત એવું છે જે વર્ષમાં ફક્ત એકજ વાર કરવાથી સમગ્ર વર્ષની એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત અને તેના ફળ વિશે સ્વયં ભગવાન કૃષ્ણએ મને જણાવ્યું હતું. ભીમે કહ્યું, હે ગુરૂદેવ મને આ વ્રત વિશે જણાવો. હું ચોક્કસ કરીશ. ગુરૂ વેદવ્યાસે કહ્યું, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ એકાદશી આવે છે. જેને નિર્જળા એકાદશી કહે છે. કારણકે આ દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન તો શું પાણી પણ નથી પીવાતું. વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી જ પાણીને હાથ લગાડી શકાય. વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે. ભીમે કહ્યું, હા ગુરૂદેવ હું આ વ્રત કરીશ. અને ભીમે આ એકાદશી કરવાનું શરૂ કર્યું એટલે જ આ એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : સંત સુરાની ભૂમિ પર ફરી થશે ધૂપ દિવા

કેવી રીતે રાખવો નિર્જળા એકાદશીનો ઉપવાસ

પ્રાત:કાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવુ. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરવા. ત્યારબાદ શ્રી હરિ અને લક્ષ્મીજીના મંત્રોના જાપ કરવા. કોઈ નિર્ધન વ્યકિતને જળનુ, અન્ન-વસ્ત્રનું કે ચપ્પલ-છત્રીનું દાન કરવુ. આજના દિવસે આમ તો નિર્જળ ઉપવાસ જ રાખવામાં આવે છે. પરંતુ જરૂર પડવા પર જળીય આહાર (પીણુ) અને ફળાહાર લઈ શકાય છે.

વ્રતનું સમાપન કેવી રીતે કરવુ?

વ્રતનું સમાપન કેવી રીતે કરવું તે પણ ઘણું મહત્વનું છે. નિર્જળા એકાદશીના બીજા દિવસે પ્રાત: સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરવું. ત્યારબાદ ગરીબોને અન્ન, વસ્ત્ર અને જળનું દાન કરવુ, બાદમાં લીંબુ પાણી પીને વ્રત સમાપ્ત કરવુ. પહેલા હળવુ ભોજન જ કરવું ઉત્તમ રહેશે.

ધનની પ્રાપ્તિ અને સંપન્નતા માટે આ ઉપાય કરો

image : google

એકાદશીનો ઉપવાસ રાખવો

શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે ઉપાસના કરો

વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો

મધ્ય રાત્રિના સમયે ધન અને સંપન્નતા પ્રાપ્તિની પ્રાર્થના જરૂર કરવી

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment