બેચરાજીમાં બિરાજમાન બહુચરાજી મા સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. અહિં બિરાજેલા મા બહુચરાજી ઘણા કુળોની કુળદેવી પણ છે. મા બહુચરના દર્શન કરવા લોકો દૂર-દૂરથી બેચરાજી આવતા હોય છે. અને માના ધામમાં આવીને પોતાનું શિશ જુકાવી નમન કરતા હોય છે. આ ધામ મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ ધામે આવી મા બહુચરાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં દૂર-દૂરથી આવતા ભક્તોમાં મા બહુચરાજી પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી છે. બહુચરાજી ખાતે આવેલ બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર આવેલું છે. સાથે જ મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર ધામ અમદાવાદથી લગભગ 80 કિમી દુર આવેલું છે. અને સૌરાષ્ટ્રથી આવતા લોકો અહિં વિરમગામ થઈને આવે છે. વિરમગામ અહીંથી લગભગ 45 કિમી જેટલું દુર આવેલું છે. અને મહેસાણા અહીંથી 35 કિમી દુર આવેલું છે.
કહેવાય છે કે, આ ધામમાં બિરાજમાન મા બહુચરાજી પર લોકોની એટલી શ્રદ્ધા છે કે અહીં લોકો માનતાઓ માનીને પગપાળા દર્શન કરવા આવતા હોય છે. મા બહુચરાજી દરેક લોકોની માનતાઓ પણ પુર્ણ કરે છે. આ મંદિરના પાછળની પૌરાણીકતા અને તેનો ઈતિહાસ ખુબ રસપ્રદ છે. સાથે જ મા બહુચરાજીએ પોતાના વાહન તરીકે કુકડાને કેમ પસંદ કર્યો? કેમ લોકો અહી બાબરી ઉતારવા આવે છે ? અને આનંદના ગરબા અને ભક્ત વલ્લભ ભટ્ટની કહાની શું છે તે પણ ખુબ રોચક વાત છે.
જાણો મંદિરનો ઈતિહાસઃ
આ પૌરાણીક મંદિરનું નિર્માણ અને ત્યા આવેલ કિલ્લાનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત 1783માં અથવા ઈ.સ 1839 માં કરવામાં આવ્યુ હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે 3 ગામો આપ્યા હતા. અને આ ગામોને રૂપિયા 10,500માં પ્રતિ વર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર. રેલવે વિસ્તરણ કર્યુ હતું. જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું. કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કાલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદ પૂનમના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.
કેમ મા બહુચરાજીનું વાહન કુકડો છેઃ
માતા બહુચરાજી કુકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં.
આ પણ વાંચોઃવિશ્વનું એકમાત્ર મંદિર, જ્યાં ભોળાનાથ છે બાળસ્વરૂપે સાક્ષાત બિરાજમાન
જાણો કેમ લોકો અહીં ઉતારે છે બાબરીઃ
માતાજીના મંદિર સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે. માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે, અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે. હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી, માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની અહી બાબરી ઉતારી હોવાની પણ લોકવાયકા છે. મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલંકઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુંટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેનું મંદિર છે, તથા શ્રી ચાચર મંદિરની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે.
જાણો આનંદના ગરબાનું મહત્વઃ
રાત્રે માતાજીના ચોકમાં ભજનો અને ગરબાઓ ગવાય છે. ત્યારે પણ સેંકડો ભક્તજનો હાજર હોય છે. વાર તહેવાર કે માતાજીનો મેળો હોય ત્યારે તો આ ભજનો અને ગરબાઓ આખી રાત ચાલતા હોય છે.મા બહુચરાજીના મંદિરમાં મેલડીમાતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આજે પણ બહુચરાજીના મંદિરમાં મેલડીમાતાનો ગોખ છે અને તેનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રચલિત છે. અહીં ચૈત્રી પૂનમનાં દિવસે માતાજીનો મોટો પ્રખ્યાત મેળો ભરાય છે. નવરાત્રિના નવ નોરતામાં મંદિરના ચોકમાં ગરબીઓ લેવાય છે. ગરબાઓની રમઝટ જામે છે. અને સેંકડો માણસો આ ગરીબીઓમાં હાજરી આપે છે.
બહૂચરાજીમાં દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે.
જાણો ભક્ત વલ્લભ ભટ્ટની કહાનીઃ
344 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી.
માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગશર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગશર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા.
બહુચર માતાજી અને નાર સંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. દિવસે માગશર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી. માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે. અને આજે પણ અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહી આવતા ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે.
જાણો મંદિર પાછળની માન્યતાઃ
આ મંદિરની એવી માન્યતા છે કે જો કોઈ બાળક સમયસર બોલતા શીખતું નથી કે પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી જ બોલતું થઇ જાય છે. આ ઉપરાંત વલ્લભ ભટ્ટની વાવની માટી લઈ જવાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની લોક વાયકા છે.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રીમાં કરો સપ્તશ્વોકી દુર્ગાનો પાઠ
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:
Android: http://bit.ly/3ajxBk4