Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
HomeUncategorizedદક્ષિણ મહારાષ્ટ્રના પ્રખ્યાત પટોળા પાટણમાં કેવી રીતે આવ્યા?

દક્ષિણ મહારાષ્ટ્રના પ્રખ્યાત પટોળા પાટણમાં કેવી રીતે આવ્યા?

How did Patola's came into existence?
Share Now

પાટણની પ્રભુતા, ગુજરાતના સુવર્ણ યુગનું રચિયતા શહેર, પાટણ એટલે શૌર્યની ભૂમિ, પાટણ એટલે ગુજરાતની પ્રાચીન રાજધાની, પાટણ એટલે રાણકી વાવ. આટલી ખુબી ધરાવતું શહેર હજુ પણ એક નામ વિના અધુરું લાગે. પાટણની ઓળખ ત્યારે જ પરિપુર્ણ થાય જ્યારે પાટણના નામ સાથે પટોળાનો ઉલ્લેખ થાય. દેશ-વિદેશમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાટણાના પટોળા વિશે અજાણ હશે.પાટણના પટોળા આજે તો દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પાટણના પટોળાનો આશરે 800થી 900 વર્ષ જૂનો ઈતિહાસ પણ રસપ્રદ છે. પટોળા મૂળ દક્ષિણ મહારાષ્ટ્રથી આશરે 1175ની સાલમાં પાટણ આવ્યા હતા. ગુજરાતનો અશોક કહેવાતા રાજા કુમારપાળના હાથમાં પાટણનું શાસન હતું. સોલંકી કુળના રાજા કુમારપાળને દૈનિક પૂજા કરવા માટે રોજ રેશમી કપડાની જરૂર પડતી હતી. તેથી કુમારપાળ પુજા કરવા માટે રોજ દક્ષિણ મહારાષ્ટ્રથી પટોળા મંગાવતા હતા.

Family who designs Patan's famous Patola

જ્યારે કુમારપાળને ખબર પડી કે, ત્યાંના રાજા વાપરેલા કપડાં પાટણ મોકલે છે. જે પટોળા પુજા માટે અપવિત્ર હતા. ત્યારે કુમારપાળે દક્ષિણ મહારાષ્ટ્ર પર હુમલો કર્યો હતો. યુદ્ધમાં દક્ષિણ મહારાષ્ટ્રના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળા બનાવતા 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા હતા. આ રીતે ગુજરાતમાં વિશ્વવિખ્યાત પટોળાની કળા આવી હતી. આ 700 કુટુંબો પૈકીના માત્ર સાલવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે. પાટણમાં હાલ માત્ર ત્રણ જ સાલ્વી પરિવારો પટોળા બનાવે છે.

કેવી રીતે બને છે પટોળા ?

પટોળાએ  સાડીનો જ એક પ્રકાર છે. સાલવી કલાકારો દ્વારા ગુજરાતમાં મુખ્યત્વે ચાર શૈલીઓમાં પટોળા વણવામાં આવે છે. પટોળા સાડી બનાવવા માટેની પદ્ધતિ વિશિષ્ટ છે. પાટણના પટોળામાં કલરની વિવિધતા અને તેના ઉપરની શૈલી માટે જાણીતા છે. એક પટોળું બનાવવા માટે ત્રણથી ચાર કારીગર  પાંચથી છ મહિનાઓ સુધી મહેનત કરે છે ત્યારે પટોળુ બને છે. પટોળું બનાવવા માટે નાની-મોટી 20 જેટલી પ્રક્રિયાઓ કરવી પડે છે. પટોળા બનાવવા ટાય એન્ડ ડાય મેથડનો ઉપયોગ થાય છે. એટલે કે પટોળામાં જ્યાં જ્યાં કલર કરવાનો હોય તે સિવાયની જગ્યાને દોરી વડે બાંધી દેવાય અને બાદમાં તેને કલરમાં નાખવામાં આવે છે.

Patan Patola making

ટાય એન્ડ ડાય મેથડ

Patan Patola colouring

ટાય એન્ડ ડાય મેથડ

પટોળામાં જેટલા રંગનો ઉપયોગ થાય તેટલી વખત આ ક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયામાં પટોળાને એવી રીતે બાંધવામાં આવે છે કે એક કલર બીજામાં કલરમાં મિક્સ થતો નથી. ટેક્નોલોજીના યુગમાં પણ પટોળા હાથથી વણીને જ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે પટોળા બનાવવા માટે જે કલર વપરાય છે, તે પણ કુદરતી હોય છે. આ કલર અકીક, ગુલાલ અને ફળ, ફૂલની છાલમાંથી જ બનાવવામાં આવે છે. કુદરતી રંગ બનાવવાની પધ્ધતિ પણ પાટણના સાલવી પરિવારો જ જાણે છે. અથાગ મહેનત કર્યા બાદ તૈયાર થતા પટોળાની કિંમત 1 લાખથી શરૂ થાય છે. જો કે પટોળાની કિંમતનો આધાર તેની ડિઝાઈન પર હોય છે.

જુઓ આ વીડિયો: કેવી રેતી બને છે પાટણના પટોળા?

પટોળા વિશે એક કહેવત પ્રખ્યાત છે, જે તમે સાંભળી જ હશે. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહી. આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી રહે છે. કહેવાય છે કે, પટોળા સાડી 90-100 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી.

લુપ્ત થઈ રહી છે કળા

આજકાલ ટેક્નોલોજીની સમયમાં ડિઝાઈન વધી રહી છે, ત્યારે પાટણના પટોળાની કળા પર પણ જોખમી છે. તેમાં પટોળાની કિંમત ખૂબ જ વધુ હોવાથી પટોળા ઝડપથી વેચાતા નથી. જોકે પોતાની વારસાગત કળાને જાળવી રાખવા માટે આ સાલવી પરિવારો દ્વારા અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ પરિવારો પટોળાની ડિઝાઈનમાં દુપટ્ટા, કવર, પર્સ, રૂમાલ, શાલ, જેવી ચીજવસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. પાટણમાં વસતાં સાલવી પરિવાર પોતાની આગામી પેઢીને આ કળા શીખવી રહ્યા છે.

How is Patan Patola's made?

પાટણના પટોળા અમિતાભ બચ્ચન, ઈન્દિરા ગાંધી, અભિનેત્રી નરગીસ દત્ત, રાજીવ ગાંધી, અને સોનિયા ગાંધી પણ ખાસ પાટણથી જ પટોળા મંગાવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાટણના પટોળાની પાઘડી પહેરી ચૂક્યા છે. આ પટોળાએ ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન બનાવી રાખ્યુ છે. જો તમને પણ આટલું જાણીને પટોળું પહેરવાની ઈચ્છા થઈ છે. તો તમારા છેલાજીને કહી દો કે, મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો.

Patan Patola look

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:

Android : http://bit.ly/3ajxBk4

iOS : http://apple.co/2ZeQjTt

No comments

leave a comment