Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝહવે સમાજ દ્વારા મુખ્યમંત્રીની માંગ માટે મળશે બેઠક

હવે સમાજ દ્વારા મુખ્યમંત્રીની માંગ માટે મળશે બેઠક

GUJARAT VIDHANSABHA
Share Now

 

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી યોજાવાની છે. અને તેને લઈને સામાજિક-રાજકીય સંગઠનોની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રોજ નવા નવા સામાજિક-રાજકીય સમીકરણો બની રહ્યા છે. થોડા સમય પહેલા ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. અને તે બેઠકમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરવામાં આવી હતી. પાટીદાર સમાજની મુખ્યમંત્રીની માંગણી પગલે હવે દરેક સમાજ પોતાના મુખ્યમંત્રીની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે કોળી સમાજે પણ તેમના સમાજના મુખ્યમંત્રીની(CM) માંગણી કરી છે. કોળી સમાજનું ભાવનગર ખાતે સંમેલન યોજાયું હતું. અને તેમાં આ માંગણી કરવામાં આવી હતી. અને આજ મુદ્દાને લઈને ભાવનગર બાદ હવે પ્રાચીમાં કોળી સમાજનુ બીજું સંમેલન યોજાશે. 27 જૂન ના રોજ બપોરે 3 વાગે ગીર સોમનાથ સુત્રાપાડાના પ્રાચી ખાતે કોળી(KOLI) સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના રાજકીય અને સામાજીક મુદ્દે મંથન કરવામાં આવશે. તેમજ શિક્ષણ, રોજગારી અને ખેતી જેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં કોળી મુખ્યમંત્રીની માંગ ઉઠી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાવનગર ખાતે કોળી(KOLI) સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનનું આયોજન વીર માંધાતા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 200થી વધુ કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ આ સંમેલનમાં કોંગ્રેસ-ભાજપ સાથે સંકળાયેલા કોળી સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. જેમાં રાજુ સોલંકી, વિમલ ચુડાસમા, કરશન વેગડ સહિતના કોળી નેતાઓ સંમેલનમાં હાજર હતા. કોંગ્રેસમાંથી કરશનભાઇ વેગડ, વિમલભાઈ ચુડાસમા, નીતાબેન રાઠોડ હાજર રહ્યા હતા. અને ભાજપમાંથી ઉમેશભાઈ મકવાણા, બિંદુબેન પરમાર અને ચતુરભાઈ મકવાણાએ આ બેઠકમાં હાજરી આપી હતી. તેમજ વ્યસ્થા પરિવર્તન પાર્ટીના નેતા ધરમશીભાઈ ધાપા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોળી સમાજ દ્વારા મુખ્યમંત્રીની(CM) માંગણી કરી હતી.

KOLI SAMAJ

PC- FACEBOOK

શું છે વીર માંધાતા ગ્રૂપ?

સૌરાષ્ટ્રમાં કોળી સમાજની વસ્તી ઘણા મોટા પ્રમાણમાં છે. વીર માંધાતા ગ્રુપ ભાવનગર આસપાસ રહેતા કોળી સમાજ પર આ ગૃપનું પ્રભુત્વ રહેલું છે. કોળી સમાજના યુવાનોમાં વીર માંધાતા ગૃપ ફેવરીટ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં વીર માંધાતા ગૃપ સક્રિય રીતે કામ કરે છે. વીર માંધાતા ગ્રુપ અવારનવાર કોળી સમાજના સામાજિક-રાજકીય મુદ્દાઓ ઉઠાવતું રહે છે. સૌરાષ્ટ્રના કોળી સમાજમાં આ ગ્રુપનું ઘણું મહત્વ રહેલું છે. અને આ ગ્રુપમાં હાલ રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનો ખુબ મોટો હોલ્ટ રહેલો છે.

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર

કોળી સમાજનું યોજાશે બીજું સંમેલન

ગઈ કાલે ભાવનગર ખાતે વીર માંધાતા ગ્રુપ દ્વારા કોળી(KOLI) સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. ત્યારે હવે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે 27 જૂનના રોજ સંમેલન બોલવામાં આવ્યું છે. આ બેઠકમાં આ બેઠકમાં શિક્ષણ, રોજગારી, ખેતી જેવા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. તેમજ આ બેઠકમાં કોળી મુખ્યમંત્રીની(CM) માંગ પણ કરવામાં આવશે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા છે. જોકે કુંવરજી બાવળીયા આ બેઠકમાં હાજરી આપવાના નથી.અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ મળનારી આ બેઠકમાં ચંદ્રકાંત પીઠાવાલા સહિત સમાજના અગ્રણીઓ અને સમાજના જિલ્લાના હોદેદારો હાજર રહેશે. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાને પણ આમંત્રણ અપાયુ છે.

KOLI SAMAJ

PC- FACEBOOK

શું છે અખિલ ભારતીય કોળી સમાજ?

અખિલ ભારતીય કોળી સમાજ એ કોળી સમાજના લોકોની એક સામાજિક સંસ્થા છે. આ સંસ્થા સાથે ગુજરાત તેમજ સમગ્ર દેશના કોળી આગેવાનો સંકળાયેલા છે. આ સંસ્થા દ્વારા અવારનવાર શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા મુદ્દા ઉઠાવવામાં આવે છે. ગુજરાતના કોળી સમાજમાં આ સંસ્થાની ખુબ સારી છાપ રહેલી છે. ગુજરાત રાજ્યના મંત્રી કુવરજી બાવળિયા આ સંસ્થાના પ્રમુખ છે. તેમજ આ સંસ્થા ઘણી સક્રિય હોવાથી રાજકીય રીતે તેનું ઘણું મહત્વ રહેલું છે.

 

દરેક સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીની માંગણી કરવામાં આવીં રહી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને તેને લઈને રોજ નવા નવા સામાજિક-રાજકીય સમીકરણો બની રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. ત્યારે બીજી બાજુ અલગ-અલગ સમાજના સામાજિક આગેવાનો પોતાનું સંમેલન યોજીને તેમના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી રહ્યા છે. પાટીદાર સમાજની કાગવડ ખાતે મળેલી બેઠકમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગણી કરાયા બાદ દરેક સમાજ પોતાના સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી રહ્યા છે. પાટીદાર મુખ્ય મંત્રીની માંગણી બાદ અલ્પેશ ઠાકોર પણ તેમના સમાજના મુખ્ય મંત્રીની માંગણી કરી ચુક્યા છે. અગાઉ રાજપૂત કરણીસેનાનાં પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ પણ ક્ષત્રિય સમાજના મુખ્યમંત્રીની માંગણી કરી હતી. ત્યારે હવે કોળી સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીની માંગણી કરવામાં આવી રહી છે. આમ દરેક સમાજ દ્વારા મુખ્યમંત્રીની માંગણી કરવામાં આવતા રાજકીય પક્ષો પણ મૂંઝવણમાં મુકાયા છે. આ બધું જોતા લાગી રહ્યું છે કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાના સાચા મુદ્દાને ધ્યાને લેવાના બદલે જાતિવાદી રાજકારણને પ્રાધાન્ય આપવામાં આવશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment