Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝસિયાચીનની માટી ગુજરાતમાં આવી

સિયાચીનની માટી ગુજરાતમાં આવી

martyr of siachen
Share Now

દેશ અને પ્રજાના રક્ષણ માટે યુદ્ધભૂમિ ઉપર ભારતીય લશ્કરના વીર સપૂતો મોતને મુઠ્ઠીમાં ભરી દુશમનો સામે લડતા શહાદત વહોરતા હોય છે. શહીદ જવાન કોઈ પરિવારનો પુત્ર, ભાઈ, પિતા કે પતિ હોય છે. જે યુધ્ધભૂમિ ઉપર વીર જવાનો પોતાના પ્રાણની આહુતિ અર્પણ કરે છે તે જગ્યાની માટી શહીદ જવાનના પરિવારો માટે અતિ પવિત્ર, મહામૂલી અને અલભ્ય હોય છે. આવા જ અમદાવાદના એક કેપ્ટન નિલેશ સોનીએ સિયાચીનમાં 1987માં શહીદી વહોરી હતી. સિયાચીનમાં ચંદન પોસ્ટ પાસે કેપ્ટન નિલેશ સોનીએ શહીદી વહોરી હતી, તે જગ્યાની પવિત્ર માટી આપવા ભારતીય જવાનના અધિકારીઓ શહિદ નિલેશ સોનીના 59માં જન્મ દિવસે તેમના નિવાસ સ્થાને આવ્યા હતા.   

martyr of siachen

અમદાવાદના અંજલિ ચાર રસ્તા પાસે રહેતા હરજીવનદાસ સોની પરિવારની ઈચ્છા હતી કે પોતાના પરિવારમાંથી કોઈ એક દિકરો દેશની સુરક્ષા કરવા ભારતીય સેનામાં જાય. ત્યારે હરજીવનદાસ સોનીના સૌથી નાના દિકરા નિલેશ સોનીએ જામનગર સૈનિક સ્કુલમાં અભ્યાસ કરીને દેશની સુરક્ષા કરવા ભારતીય સેનામાં જોડાયા હતા. સેનામાં જોડાઈ કેપ્ટન નિખિલ સોની દેશના અલગ અલગ હિસ્સાઓમાં રહી દેશની રક્ષા કરતા હતા. કેપ્ટન નિલેશ સોની મેઘદૂત ઓપરેશન અંતર્ગત સિયાચીનમાં માઈનસ 50 ડિગ્રી વચ્ચે પણ જીવની પર્વા કર્યા વગર ચંદન પોસ્ટ ઉપર રહી દેશની સુરક્ષા કરતા હતા, મેઘદૂત ઓપરેશન દરમિયાન અચાનક પાકિસ્તાન તરફથી તોપમારો થયો હતો. ભારે તોપમારાને કારણે બરફની સીલાઓ ઉંચાઈએથી ગબડી આવતા કેપ્ટન નિલેશ સોની સહિત 12 જવાનો શહીદ થયા હતા. માત્ર 25 વર્ષની ઉમંરે દેશની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપી દીધી હતી. 

martyr of siachen

શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારની ઈચ્છા હતી કે પોતાના પરિવારની શાન કેપ્ટન નિલેશ જ્યાં શહીદ થયા હતા, તે ભૂમિની માટી પરિવારને મળે. ત્યારે આ સોની પરિવારની ઈચ્છા પુર્ણ કરવા ભારતીય લશ્કરે માત્ર 25થી 30 દિવસમાં સીયાચીનમાં કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા ત્યાંથી માટી લાવી અને લશ્કરના અધિકારીઓ અમદાવાદ શહીદ કેપ્ટન નિલેશ સોનીના ત્યાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે આ માટી શહીદ કેપ્ટન નિલેશના 59માં જન્મદિવસે જ આપવા પહોંચ્યા હતા. શહિદ કેપ્ટન નિલેશના પરિવારને સમાચાર મળ્યા કે ભારતીય લશ્કરના અધિકારીઓ સિયાચીનથી માટી લાવીને આપવા આવી રહ્યા છે, ત્યારે શહીદ કેપ્ટન નિલેશ સોનીના ભાઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.. જ્યારે લશ્કરના અધિકારીઓ આવ્યા ત્યારે કેપ્ટન શહીદ નિલેશ સોનીના મોટા ભાઈએ લશ્કરના અધિકારીઓને સલામી કરીને સ્વાગત કર્યું હતું.

જુઓ આ વિડીઓ : અમદાવાદના શહીદ વીર કેપ્ટન નિલેષ સોનીની શહાદતની ગાથા

જ્યારે સિયાચીનની માટી સોની પરિવારને અર્પણ કરી ત્યારે શહીદ કેપ્ટન નિલેશ સોનીના મોટા ભાઈના આંખમાંથી આસું સરી પડ્યા હતા. શહીદ કેપ્ટન નિલેશ સોની 62 ફીલ્ડ રેજીમેન્ટમાં રહીને દેશની રક્ષા કરતા હતા. એટલે શહીદ કેપ્ટનના પરિવારને માટી સાથે તોપ ફુટે અને તેની પાછળ જે સેલ નીકળે તે પણ ભેટ આપવામાં આવ્યો છે. આ સાથે 321 ફીલ્ડ રેજીમેન્ટ દ્વારા સિયાચીન વોરીયરનું મોમેન્ટો આપવામાં આવ્યું છે. ભારતીય લશ્કર દ્વારા શહીદ કેપ્ટનના 59માં જન્મદિવસે આ ભેટ આપી તેને જગદીશભાઈ સોનીએ અત્યાર સુધીની સૌથી મોટી ભેટ ગણાવી હતી. આ ખાસ દિવસે શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારજનોએ અને આજુ બાજુના લોકોએ મળી શહીદી કેપ્ટનની વીરગતીને યાદ કરી હતી. સોની પરિવારની આ ઈચ્છા પુર્ણ કરી તે બદલ જગદીશભાઈ સોનીએ કહ્યું કે ભારતીય લશ્કર દેશના લોકોની ભાવનાને પુરી રીતે સમજે છે,  અને ભારતીય લશ્કર દરેક શહીદ પરિવારની દેખભાળ રાખે છે. 

martyr of siachen

 

દરેક શહીદ જવાનના પરિવારજનો પોતાના દિકરાએ લખેલા પત્રો અને ફોટાઓ શહીદ જવાનની યાદગીરી માટે સાચવીને રાખતા હોય છે. ત્યારે ઘણા લોકો શહીદ જવાનોની યાદગીરી માટે વિશેષ કામ કરતા હોય છે. ત્યારે શહીદ કેપ્ટન નિલેશ સોનીએ દેશની સુરક્ષા માટે આપેલા બલિદાન બદલ અંજલી ચાર રસ્તા નજીક સ્મારક પણ ઉભું કરવામાં આવ્યું હતું, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલડી ખાતે આવેલા ભઠ્ઠા વિસ્તારના જાહેર માર્ગને શહીદવીર કેપ્ટન નિલેશ સોની માર્ગ નામ આપ્યું હતું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment