વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ. જેને અક્ષય તૃતિયા પણ કહેવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ અને કેલેન્ડરમાં આ દિવસનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. દરેક શુભ કાર્ય આ દિવસે કરી શકાય છે. કેમ આ દિવસને વણજોયુ મૂહૂર્ત કહેવામાં આવે છે. તેની સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આવી કેટલીક જાણીતી કથાઓ કઈ છે તે જાણીએ.
ધર્મદાસની કથા
એક કથા એવી છે કે પ્રાચીન કાળમાં ધર્મદાસ નામનો વૈશ્ય હતો. સદાચાર, દેવ અને બ્રાહ્મણો પ્રત્યે તેને ઘણી શ્રદ્ધા હતી. અખાત્રીજના વ્રતનું મહત્વ સમજીને તેણે આ દિવસે ગંગામાં સ્નાન કરી વિધિપૂર્વક દેવી-દેવતાઓની પૂજા કરી, વ્રતના દિવસે સોનું, વસ્ત્ર તથા દિવ્ય વસ્તુઓ બ્રામ્હણોને દાન કરી. અનેક રોગોથી ગ્રસ્ત અને વૃદ્ધ હોવાછતાં તેણે ઉપવાસ કરીને ધર્મ-કર્મ અને દાન પુણ્ય કર્યું. આ વૈશ્ય બીજા જન્મમાં કુશાવતીનો રાજા બન્યો. એવુ કહેવાય છે કે અખાત્રીજના દિવસે કરેલા દાન અને પૂજાને કારણે તે ઘણો ધની અને પ્રતાપી બન્યો. તે એટલો ધની અને પ્રતાપી રાજા હતો કે ત્રણેય દેવ તેના દરબારમાં અક્ષય તૃતિયાના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા. પોતાની શ્રદ્ધા અને ભક્તિનું તેને ક્યારેય અભિમાન નહોતુ અને મહાન વૈભવશાળી હોવાછતાં તે ધર્મમાર્ગથી વિચલિત ન થયો. માનવામાં આવે છે કે રાજા આગળ જતા રાજા ચંદ્રગુપ્તના રૂપે જન્મ્યો.
પરશુરામની કથા
સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે કે આ દિવસે રેણુકાના ગર્ભથી ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં જન્મ લીધો. તેઓ મહર્ષિ જમદાગ્નિ અને માતા રેણુકાદેવીના પુત્ર હતા. તેમણે પોતાના પરાક્રમથી 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહિન કરી પૃથ્વી બ્રાહ્મણોને દાન કરી દીધી હતી. કોંકણ અને ચિપ્લૂનના પરશુરામ મંદિરોમાં આ તિથિ પર પરશુરામ જયંતિ ખુબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પરશુરામ જયંતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. એક કથા અનુસાર પરશુરામની માતા અને વિશ્વામિત્રની માતાના પૂજન બાદ પ્રસાદ આપતા સમયે ઋષિએ પ્રસાદ બદલીને આપ્યો હતો. જેના પ્રભાવથી પરશુરામ બ્રાહ્મણ હોવાછતાં ક્ષત્રિય સ્વભાવના હતા અને ક્ષત્રિય પુત્ર હોવાછતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ તરીકે ઓળખાયા. સીતા સ્વયંવર સમયે પરશુરામજી પોતાના ધનુષ બાણ શ્રી રામને સમર્પિત કરીને સંન્યાસી જીવન વિતાવવા જતા રહ્યા. તેઓ ફરસી પોતાની પાસે રાખતા જેના કારણે તેમનું નામ પરશુરામ પડ્યું.
આ પણ વાંચો: સાળંગપુરનું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર
જૈન તીર્થંકર આદિનાથની કથા
જૈન ધર્મમાં પણ આ દિવસનું ઘણું મહત્વ છે. આ દિવસે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને એક વર્ષના તપ બાદ શેરડીનો રસ પીધો હતો. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને સત્ય અને અહિંસાનો પ્રચાર કરવા અને પોતાના કર્મના બંધનો તોડવા સંસારના ભૌતિક અને પારિવારિક સુખોનો ત્યાગ કરીને જૈન વૈરાગ્ય અંગીકાર કરી લીધો. સત્ય અને અહિંસાનો પ્રચાર કરતા કરતા આદિનાથ પ્રભુ હસ્તિનાપુર ગજપુર પધાર્યા જ્યાં તેમના પુત્ર સૌમયશનું શાસન હતું. પ્રભુનું આગમન થતા આખુય નગર તેમના દર્શન કરવા ઉમટી પડ્યું. રાજકુમાર શ્રેયાંસે આદિનાથ પ્રભુને ઓળખી લીધા અને શુદ્ધ આહાર રૂપે તેમને શેરડીનો રસ અર્પણ કર્યો. જૈન ધર્મમાં શેરડીના રસના ઈક્ષુ રસ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસ ઈક્ષુ તૃતિયા કે અક્ષય તૃતિયાના નામે ઓળખાયો.
કૃષ્ણ અને સુદામાની કથા
ભગવાન કૃષ્ણ અને તેમના પરમ મિત્ર સુદામાની વાર્તા તો બધા જાણે છે. કહેવાય છે કે ગરીબ બ્રાહ્મણ સુદામા અખાત્રિજના દિવસે ભગવાન કૃષ્ણને મળવા ગયા હતા. ભગવાનને સુદામાએ ઉપહારમાં ચોખા અર્પણ કર્યા હતા. જેના બદલામાં કૃષ્ણએ તેમને બે લોક ના સ્વામી બનાવી દીધા હતા. માન્યતા છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુને ચોખા ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
દ્રૌપદીના અક્ષયપાત્રની કથા
એવી પણ માન્યતા છે કે પાંડવોની પત્નિ દ્રોપદીને ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાને કારણે આ દિવસે અક્ષય પાત્રની પ્રાપ્તિ થઈ હતી. આ અક્ષય પાત્રનું ભોજન ક્યારેય ખુટતુ નહોતું. પૌરાણિક માન્યતા છે કે મહાભારત કાળમાં જ્યારે પાંડવોને 13 વર્ષનો વનવાસ થયો તો એકવાર ઋષિ દુર્વાસા પાંડવોની ઝૂંપડીમાં પધાર્યા. દ્રોપદીએ તેમનો યોગ્ય સત્કાર કર્યો. જેનાથી પ્રસન્ન થઈને તેમને દ્રોપદીને અક્ષય પાત્ર આપ્યું અને કહ્યું કે આજે અખાત્રીજ છે અને આજના દિવસે જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરશે અને તેમને ગોળ, ફળ, વસ્ત્ર, ભરેલો કળશ તેમજ દક્ષિણાનું દાન કરશે તેમનો ભંડાર હંમેશા ભરેલો રહેશે.
ગંગાના અવતરણની કથા
અખાત્રીજની બીજી એક કથા છે ગંગા અવતરણની. મહારાજ ભગીરથથી પ્રસન્ન થઈને માં ગંગાએ પૃથ્વી પર અવતરણ કર્યું. કહેવાય છે કે હજારો વર્ષોની તપસ્યા બાદ અક્ષય તૃતિયાના દિવસે જ માં ગંગા પૃથ્વી પર આવી હતી. મહારાજા ભગીરથ ભગવાન રામ અને તેમના પિતા રાજા દશરથના પૂર્વજ હતા.
અન્નપૂર્ણા જયંતિ
અન્નની દેવીમાં અન્નપૂર્ણાનો જન્મ પણ અખાત્રિજના દિવસે થયો હતો. અક્ષય તૃતિયાના દિવસે માં અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે. માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય તો ક્યારેય અન્નના ભંડાર ખાલી નથી રહેતા. સમૃદ્ધિ અને ખુશહાલી રહે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4