Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝપ્રથમ નોરતે કાગવડ ખાતે યોજાઈ પદયાત્રા, કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની કરાઈ રજતતુલા

પ્રથમ નોરતે કાગવડ ખાતે યોજાઈ પદયાત્રા, કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની કરાઈ રજતતુલા

Padayatra was held at Shri Khodaldham Trust-Kagwad
Share Now

કાગવડ, રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની (Shri Khodaldham Trust-Kagwad) દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં ભક્તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવા ચાલુ વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. સવારે 7-30 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના (Shri Khodaldham Trust-Kagwad) ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાગવડ ગામે પ્રાથમિક શાળામાં શ્રી નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીઓએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. બાદમાં રથમાં બિરાજમાન મા ખોડલની આરતી કર્યા બાદ શ્રી નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.

પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં

પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા.  મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી સહિતની વ્યવસ્થા સંભાળી હતી.

 નવરાત્રિમાં ખોડલધામ મંદિરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના (Shri Khodaldham Trust-Kagwad) ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, રાજકોટના તમામ લેઉવા પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે.

જુઓ આ વિડીયો: ડાકલા ગરબા સ્ટાઈલ

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા અને સન્માન કરાયું

કાગવડ, રાજકોટઃ આજ રોજ તારીખ 07 ઓક્ટોબરને ગુરુવારના રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી માનનીય જીતુભાઈ વાઘાણી શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમ વખત શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દાતાશ્રીઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવી હતી. બપોરે 12-30 વાગ્યાની આસપાસ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા અને મા ખોડલના ધામમાં ધ્વજારોહણ કર્યું હતું.

 

કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મા ખોડલના દર્શન કરી ધ્વજારોહણ કર્યું

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો સન્માન અને રજતતુલાનો કાર્યક્રમ યોજાયો હતો. સન્માન અને રજતતુલાના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના (Shri Khodaldham Trust-Kagwad) ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ, અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરાયું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની 105 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. મુંબઈ, સુરત અને ભાવનગરના દાતાશ્રીઓએ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને વજન બરાબર ચાંદીથી તુલા કરીને સન્માનિત કર્યા હતા.

105 કિલો ચાંદી મા ખોડલના ચરણોમાં અર્પણ કરતાં કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી

રજતતુલા પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, ભાદરવાનો તડકો તપતો હોય અને ગરમીમાં પણ ધીરજ ધરીને બેસે તે સમાજ જ પાટીદાર સમાજ.. પાટીદાર સમાજ સૌને સાથે લઈને ચાલનારો સમાજ છે. મા ખોડલ આપણા સૌના પર એવી કૃપા વરસાવે કે આપણે પાછળનું પણ જોઈએ, વર્તમાનનું પણ જોઈએ અને આગળનું પણ જોઈએ. હું અહીંયા પહોંચ્યો છું એમાં ખોડલધામ અને આગેવાનોનો પણ સાથ સહકાર રહેલો છે. હંમેશા મને આપણો સમજીને આગળ વધારવામાં મદદ કરી છે. આ પ્રકારના સન્માનો થકી અમને નવી ઉર્જા અને શક્તિ મળતી હોય છે. મંત્રી બન્યા બાદ સૌપ્રથમ સન્માનનો કાર્યક્રમ આજના આ પવિત્ર દિવસે ખોડલધામની ભૂમિ ઉપર થયો છે તે મારા માટે મોટી વાત છે. અહીંયા આવીને પરિવારમાં આવ્યાનો અને ઘરમાં આવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા.

આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્ર પટેલે ભરૂચની જનતાને આપી ભેટ, ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના સન્માન અને રજતતુલા માટે યોજાયેલા આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણી આપણા સમાજનું ગૌરવ છે અને તેમણે આજે ખૂબ સહજતાથી વાત કરી છે. મા ખોડલ અને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કે, તમારા દરેક સ્વપ્ન આપ સમાજ વચ્ચે રહીને પૂર્ણ કરો અને હંમેશા સમાજનું ધ્યાન રાખીને આગળ વધો.

શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ (Shri Khodaldham Trust-Kagwad), શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ, શ્રી લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટની વિવિધ સમિતિના કન્વીનરો અને સભ્યોએ પણ હાજરી આપી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment