Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝપાટીદારોને અનામત આપવાનો માર્ગ મોકળો

પાટીદારોને અનામત આપવાનો માર્ગ મોકળો

OBC
Share Now

પાટીદારોને અનામત આપવાનો માર્ગ મોકળો; OBCની યાદી તૈયાર કરવાનો અધિકાર ફરીથી રાજ્યો પાસે

  • મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત અને હરિયાણામાં જાટ સમુદાયને લાભ થાય તેવી શક્યતા
  • SEBC મુદ્દે 127મા બંધારણીય સુધારા માટે લોકસભામાં બિલ રજૂ
  • કોંગ્રેસ સહિત 15 વિરોધ પક્ષોનું બિલને સમર્થન

લોકસભામાં સોમવાર કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વીરેન્દ્રકુમારે ઓબીસી (અન્ય પછાત વર્ગ) સંબંધિત સંશોધન બિલ રજૂ કર્યું હતું. બંધારણમાં 127મા સુધારા માટે રજૂ થયેલા આ બિલમાં રાજ્યોને પોતાની રીતે ઓબીસી યાદી નક્કી કરવાની સત્તા પરત આપવાની જોગવાઈ છે. બિલને કોંગ્રેસ સહિત 15 વિપક્ષોએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજને લોકસભામાં જણાવ્યું હતું કે આજે દરેક વિપક્ષોએ બેઠક કરી હતી. ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવવા કે નહીં તે હવે રાજ્ય સરકાર નક્કી કરશે. બીજી તરફ મહારાષ્ટ્રમાં મરાઠા, કર્ણાટકમાં લિંગાયત અને હરિયાણામાં જાટ સમુદાયને લાભ થાય તેવી શક્યતા છે.

OBC

સૌએ મળીને નિર્ણય કર્યો કે આ બિલ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. અન્ય પછાત વર્ગના કલ્યાણ માટેનું આ બિલ અમે પસાર કરાવવા માગીએ છીએ. અગાઉ જ્યારે બંધારણમાં 102મા સુધારા માટે બિલ લાવવામાં આવ્યું ત્યારે અમે કહ્યું હતું કે રાજ્યોના અધિકારોનું હનન થવું જોઈએ નહીં. હવે ઓબીસી આંદોલનને કારણે ડરીને સરકારને આ બિલ લાવવું પડ્યું છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિવિધ મુદ્દે વિપક્ષનો વિરોધ રાજકારણથી પ્રેરિત છે. વિરોધ પક્ષોના શાસનવાળાં રાજ્યોની સરકારો સતત આ બિલની માગણી કરી રહી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે વિરોધ પક્ષો આ બિલનું સમર્થન કરશે.

ચુકાદા બાદ રાજ્યોની સત્તાનો અંત આવ્યો

સુપ્રીમકોર્ટે મરાઠા અનામત મુદ્દે ચુકાદો આપતા કહ્યું હતું કે રાજ્યો પાસે બંધારણમાં 102મા સુધારા બાદ ઓબીસી નક્કી કરવાની અને યાદી બનાવવાની સત્તા રહેતી નથી. આ સત્તા હવે માત્ર રાષ્ટ્રપતિની પાસે છે.

આ પણ જુઓ : હવે દુધના ભાવ પણ વધ્યા !

ઓબીસી બિલની રાજ્યો પર શું અસર ?

ઓબીસી બિલ કાયદો બનતા એ જ્ઞાતિઓને ફાયદો થશે જે આ દરજ્જાની માગ કરે છે. ગુજરાતમાં પાટીદાર, મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણામાં જાટ, કર્ણાટકમાં લિંગાયત આ માગ કરી રહ્યાં છે.

કેન્દ્ર સરકાર શા માટે બિલ લાવી રહી છે

ઓબીસી નક્કી કરવાની સત્તા કેન્દ્રની હોવાના સુપ્રીમના ચુકાદા વખતે કેન્દ્ર સરકારે વાંધો દર્શાવ્યો હતો. હવે બંધારણમાં સુધારા દ્વારા સરકાર આ સત્તા રાજ્યોને પાછી આપવા માગે છે.

ગુજરાતમાં 146 ઓબીસી, તમામને 27 ટકા સુધી જ અનામત મળી શકે

ગુજરાતમાં હાલ સામાજિક અને શૈક્ષણિક પછાત એટલે કે એસઇબીસી અથવા ઓબીસી કક્ષામાં કુલ 146 જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ સમાવિષ્ટ છે, આ તમામ જ્ઞાતિઓ માટે કુલ બેઠકો કે જગ્યાઓ પૈકી 27 ટકા અનામત પ્રાપ્ય છે. અનુસૂચિત જાતિની 36 જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓને 7.5 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે. જ્યારે 32 અનુસૂચિત જનજાતિની જ્ઞાતિઓને 15 ટકા જેટલી અનામત મળવા પાત્ર છે. કુલ મળીને આ અનામતનો આંકડો 50 ટકા ઉપરાંત ન હોવો જોઇએ.

જ્યારે બાકીની 50 ટકા પૈકી 10 ટકા જેટલી બેઠકો સરકારે જાહેર કરેલી બિનઅનામત જ્ઞાતિઓ પૈકી આર્થિક પછાત લોકો માટે અનામત રહે છે. રાજ્યમાં 2015થી કુલ વસતીના 12થી 14 ટકા પ્રમાણ ધરાવતા પાટીદારો અનામત માટે આંદોલન કરી રહ્યા છે. મે 2016માં ગુજરાત સરકારે આર્થિક પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. પાટીદારોએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. બાદમાં હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.

Supreme Court

સોમવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે ઓબીસીમાં કંઈ જ્ઞાતિને સમાવવી તે સત્તા ફરીથી રાજ્યોને મળી તે નવી વાત નથી. 2018 સુધી આ સત્તા રાજ્યો પાસે જ હતી. મોદી સરકારે તેમાં સુધારો કરીને તે સત્તા કેન્દ્ર સરકારે લઈ લીધી હતી. હવે ફરીથી કેન્દ્ર સરકારે તે સત્તા રાજ્ય સરકારને આપી છે. આ સત્તા રાજ્ય સરકાર પાસે હોય કે કેન્દ્ર સરકાર પાસે અમારી લડત ચાલુ રહેશે.

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના જણાવ્યા અનુસાર કોઇપણ જ્ઞાતિને અનામત આપવાની સત્તા સરકાર નહીં ઓબીસી માટેના કમિશન પાસે રહે છે. કમિશન પોતે જ જ્ઞાતિઓનો સર્વે કરીને તેની ભલામણ સરકારને કરે છે ત્યારે સરકાર આ મુદ્દે નિર્ણય લે છે. તેથી રાજ્ય સરકાર પર દબાણ લાવવાને બદલે અનામત ચાહતાં વર્ગોએ પંચનો સંપર્ક કરવો જોઇએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment