વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને (UNGA 76th Session) સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત નમસ્તે સાથિયો કહીને કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડી રહ્યું છે. હું કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકશાહીની જનની છે.
પ્રદુષિત પાણી વિશ્વની સૌથી મોટી સમસ્યા છે
પ્રદૂષિત પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે પ્રદૂષિત પાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે. આ માટે ભારત 17 કરોડ ઘરોને સ્વચ્છ સુધી પહોંચાડવાનું મોટું અભિયાન ચલાવી રહ્યું છે. આજે વિશ્વની દરેક છઠ્ઠી વ્યક્તિ ભારતીય છે. જો ભારત વિકાસ કરશે તો વિશ્વ પણ પ્રગતિ કરશે. હું જણાવવા માંગુ છું કે ભારતે વિશ્વની પ્રથમ DNA રસી વિકસાવી છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે એક છોકરો જે તેના પિતાને ચા વેચવામાં મદદ કરતો હતો તે આજે ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યો છે.
આ પણ વાંચો:પીએમ મોદીએ વ્હાઈટ હાઉસમાં જો બાયડન સાથે કરી મુલાકાત, બંને દેશોના સબંધો સહિત અનેક મુદ્દે થઈ ચર્ચા
નામ લીધા વગર પાકિસ્તાનને નિશાન બનાવ્યું
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર, અમે 75 એવા ઉપગ્રહો મોકલી રહ્યા છીએ જેને ભારતીય વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે. આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ એ સૌથી મોટો ખતરો છે. આતંકવાદ ફેલાવવા માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થાય તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ પણ દેશ ત્યાંની નાજુક પરિસ્થિતિને પોતાના સ્વાર્થના સાધન તરીકે વાપરવાનો પ્રયત્ન ન કરે. આ સમયે અફઘાનિસ્તાનના લોકો, ત્યાંની મહિલાઓ અને બાળકો, ત્યાંના લઘુમતીઓને મદદની જરૂર છે અને આપણે આમાં આપણી જવાબદારી નિભાવવી પડશે. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે માનવતા પ્રત્યેની જવાબદારી સમજીને, ભારતે ફરી એક વખત વિશ્વના જરૂરિયાતમંદ દેશોને રસી આપવાનું શરૂ કર્યું છે. આજે હું વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા આમંત્રણ આપું છું.
સંયુક્ત રાષ્ટ્રને વધુ અસરકારક બનવું પડશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા મહાસાગરો આપણા બધાનો સહિયારી વારસો છે. તેથી, આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે સમુદ્રના સંસાધનોનો ઉપયોગ કરીએ પરંતુ તેનો દુરુપયોગ ન કરીએ. આપણા સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આચાર્ય ચાણક્યનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જો સંયુક્ત રાષ્ટ્રને પોતાની જાતને પ્રાસંગિક બનાવી રાખવી હોય તો તેની અસરકારકતામાં સુધારો કરવો પડશે, સંયુક્ત રાષ્ટ્રને વધુ અસરકારક બનવું પડશે. સંયુક્ત રાષ્ટ્ર પર આજે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. વિશ્વના ઘણા ભાગોમાં પ્રોક્સી યુદ્ધો, આતંકવાદ અને અફઘાનિસ્તાન કટોકટીએ આ પ્રશ્નોને વધુ મજબૂત કર્યા છે. પીએમ મોદીએ રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ સાથે સંબોધન સમાપ્ત કર્યું.
Addressing the @UN General Assembly. https://t.co/v9RtYcGwjX
— Narendra Modi (@narendramodi) September 25, 2021
અમેરિકાના પ્રવાસ દરમ્યાન અનેક લોકોને મળ્યા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. 22 સપ્ટેમ્બરથી અમેરિકા પ્રવાસ માટે નીકળેલા પીએમ મોદી ઘણા દિગ્ગજોને મળ્યા હતા. યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, પાંચ ટોચની કંપનીઓના સીઈઓ પછી, પીએમ મોદીએ 24 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને મળ્યા હતા. આ દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જો બાયડન સાથેની મુલાકાતમાં ગાંધીજીને કર્યા યાદ
બેઠક દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે મહાત્મા ગાંધી હંમેશા ટ્રસ્ટીશીપની હિમાયત કરતા હતા. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ટ્રસ્ટીશીપની ભાવનાનું ખૂબ મહત્વ છે. સાથેજ યુએસ પ્રમુખ જો બાયડને કહ્યું કે આજના સમયમાં શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યોની જરૂર છે. અને આપણી ભાગીદારી પહેલા કરતા વધુ વધી રહી છે..
ક્વાડ સમિટમાં ભાગ લીધો
પીએમ મોદીએ ક્વાડ મીટિંગમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેમણે કહ્યું કે યુએસ પ્રેસિડેન્ટ જો બાયડને પ્રથમ ફિઝિકલ ક્વોડ સમિટની ઐતિહાસિક પહેલ કરી છે. આ માટે તેમનો આભાર માન્યો. 2004 ના સુનામી પછી પ્રથમ વખત, અમે ચાર દેશો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની મદદ માટે ભેગા થયા હતા. આજે, જ્યારે આખું વિશ્વ કોવિડ -19 રોગચાળા સામે લડી રહ્યું છે, ત્યારે આપણે ક્વાડ તરીકે માનવતાના હિતમાં કામ કરી રહ્યા છીએ.
ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ઘણી મહત્વની બેઠકોમાં ભાગ લીધો
નોંધનીય છે કે 4 દિવસના યુએસ પ્રવાસ દરમિયાન આ વખતે પણ મોદીનો જાદુ જોવા મળ્યો હતો. વરસાદ હોવા છતાં લોકો ઉમટી પડ્યા હતા. એરપોર્ટ પર લોકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. 23 સપ્ટેમ્બરના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પાંચ મોટી કંપનીઓના સીઈઓને મળ્યા હતા. તે પછી 24 સપ્ટેમ્બરના રોજ, પીએમ મોદી યુએસ પ્રમુખ જો બાયડનને મળ્યા, તેમજ ક્વાડ સમિટ (યુએસએ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત) માં હાજરી આપી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4