તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
વરસાદ પહેલા પ્રિ-મોન્સુન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે અનેક વિસ્તારોમાં ચોમાસું આવતા જ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી કર્યાના બણગા ફૂંકવામાં આવતા હોય છે ને ખરેખર કામગીરી માત્ર કાગળ પર જ થયેલી હોય છે. ત્યારે વરસાદ પડતા જ તંત્રની પોલ છતી થઇ જતી હોય છે.
ધોરાજીમાં ગયા વર્ષે બનેલો રોડ આ વર્ષે ધોવાઇ ગયો
રાજકોટ જીલ્લના ધોરાજી શહેરનો મુખ્ય માર્ગ એકાદ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો જે આ વર્ષે પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયા છે. ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધોરાજીમા પહેલા જ વરસાદ બાદ ખાડાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ અને મુખ્ય બજારમા સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ ધોવાઇ ગયા જેથીવાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. તેની વિજીલન્સ તપાસ કરી જવાબદારો પર કાર્યવાહી કરવા એડવોકેટ ચંદુભાઈ પટેલ, ભાજપ આગેવાન વિઠ્ઠલભાઈ હિરપરાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જેના જવાબમાં કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, આ રસ્તાઓ ભાજપકાળ દરમિયાન બન્યા હતા. અને હવે તેની મરામત માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત છે અને રાજકીય નેતાઓ આક્ષેપબાજીઓ કરવામાં જ વ્યસ્ત છે ત્યારે લોકોમાં ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે.
જુઓ વિડીયો : પત્રકારો આવતા જ “નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ” મીડિયાથી દુર ભાગ્યા
વેરાવળ-કોડીનાર હાઈવે પર નેતા પહોચ્યા આંદોલન કરવા
આવું માત્ર ધોરાજીમાં જ નહિ, ગીર સોમનાથ જીલ્લામાં પણ છે. વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે અતિશય બિસ્માર હાલતમાં છે. ત્યારે લોકોને પડી રહેલી હાલાકી દુર કરવા કોંગી ધારાસભ્ય ભગવાન બારડ રસ્તા રોકો આંદોલન હાથ ધરવા રસ્તા પર પહોચી ગયા હતા. ત્યારે નેશનલ હાઇવેના પ્રોજેક્ટ મેનજર પણ સ્થળ પહોંચ્યા હતા. આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લેખિત ખાતરી આપતા આંદોલન મુલતવી રખાયું છે. પરંતુ આ પરેશાની આજકાલની નથી, ચાર-ચાર વર્ષથી કામ ટલ્લે ચડેલું છે જેથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ધારાસભ્ય દ્વારા અનેક વખત આ મુદ્દે લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી હતી છતાં કામગીરી ન થતા વિપક્ષી નેતાએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જો કે, પત્રકારો ત્યાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ મીડિયાથી દુર ભાગ્યા હતા.
મોરબીમાં પુલ મંજુર થયો બન્યો નહિ
મોરબીની જો વાત કરવામાં આવે તો, મોરબીના ચકમપર ગામનો મુખ્યમાર્ગ શરૂઆતના વરસાદમાં જ ધોવાઈ જતા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે. આ માર્ગ પર નદીના વહેણની માફક પાણી ફરી વળ્યાં હોવાથી ચાલીને પણ પાણીમાંથી માંડ નીકળી શકાય છે. ત્યારે હવે વાહનો મૂકી હોળી લઈને નીકળવું પડે તેવી નોબત આવી છે. ગામલોકોએ 40 કિલોમીટર સુધી ફરી ફરીને જવું પડે છે. મોરબીના ચકમપર ગામે આવેલ જીવાપર ગામને જોડતા મુખ્યમાર્ગ ઉપર અગાઉ પુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાદમાં થોડું ઘણું કામ થયું હતું તેને પણ બે વર્ષ અગાઉ રીપેરીંગના નામે તોડી પાડવામાં આવ્યું હતું. રો અહી પુલ હજુ સુધી બન્યો જ નથી. જેથી દર વર્ષે વરસાદમાં આ માર્ગ ધોવાય જાય છે અને સ્થાનિકો ખુબ હેરાન થાય છે. ત્યારે તંત્ર વહેલાસર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4