Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી તાકાત! ઈન્ડિયન ડિપ્લોમેટ્સ અને સ્ટાફે કૉન્સ્યુલેટ છોડી

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી તાકાત! ઈન્ડિયન ડિપ્લોમેટ્સ અને સ્ટાફે કૉન્સ્યુલેટ છોડી

Taliban Returns In Afghanistan
Share Now

કંદહાર: અફઘાનિસ્તાનમાં તાલિબાનના (Taliban Returns) વધતા જતાં વર્ચસ્વની સાથે જ સુરક્ષાની સ્થિતિ સતત કથળી રહી છે. દક્ષિણી અફઘાનિસ્તાનમાં અનેક વિસ્તારો પર તાલિબાનના કબજા બાદ ભારતે કંદહારમાંથી પોતાના લગભગ 50 જેટલા ડિપ્લોમેટ અને સ્ટાફને પરત બોલાવી દીધા છે. આ તમામ લોકો કંદહાર સ્થિત ઈન્ડિયન કોન્સ્યુલેટમાં તૈનાત હતા.

ઈન્ડિયન એરફોર્સની વિશેષ ફ્લાઈટ કંદહાર રવાના

ITBPના જવાનો, ડિપ્લોમેટ સહિત અન્ય કર્મચારીઓને ભારત પરત લાવવા માટે શનિવારે ઈન્ડિયન એરફોર્સનું એક ખાસ વિમાન અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યું હતું. જ્યાંથી એરલિફ્ટ કરીને આ તમામ કર્મચારીઓને સ્વદેશ પરત લાવવામાં આવશે.

વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કંદહારમાં ઈન્ડિયન કોન્સ્યુલેટને બંધ નથી કરવામાં આવી. કંદહાર નજીક ભીષણ યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલા તનાવને જોતા ભારતના તમામ સ્ટાફને થોડા સમય માટે પરત બોલાવી લેવામાં આવ્યા છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ સામાન્ય થવા સુધી જ આમ રહેશે. હાલ ઈન્ડિયન કોન્સ્યુલેટ અમારા સ્થાનિક સ્ટાફ દ્વારા કામ કરવાનું ચાલુ રાખશે.

અમેરિકી જનરલે ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી

અમેરિકન સહિત અનેક વિદેશી સૈનિકો હવે અફઘાનિસ્તાનમાંથી જઈ રહ્યા છે. એવામાં અફઘાન આર્મીને એકલા હાથે તાલિબાન (Taliban Returns) સાથે સામનો કરવો પડી રહ્યો છે, જે ખૂબ જ કપરૂં છે. એક અમેરિકન રિપોર્ટ ચેતવણી આપી ચૂકી છે કે, સૈનિકોની વાપસીના થોડા મહિના બાદ જ અફઘાન સરકાર પડી જશે. પહેલા એવું કહેવાતું હતું કે, 11 સપ્ટેમ્બર સુધી અમેરિકન સૈનિકો પરત ફરશે, પરંતુ હવે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકન સૈનિકો જલ્દી પોતાના દેશમાં પરત ફરશે.

આ પણ વાંચો:  અષાઢી એકમે અમદાવાદમાં ‘વિકાસવર્ષા’, અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કાબૂલમાં અમેરિકન જનરલ ઑસ્ટિન મિલરે પણ આશંકા વ્યક્ત કરી છે કે, અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ થઈ શકે છે. વર્તમાન સ્થિતિ ગૃહયુદ્ધની સંભાવનાને પ્રબળ બનાવે છે. નાગરિકોની સુરક્ષા માટે અફઘાન નેતાઓએ આગળ આવવું જોઈએ.

ઈન્ડિયન કૉન્સ્યુલેટની એડવાઈઝરી

મીડિયા રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં નાગરિકો પોતાની સુરક્ષા માટે હથિયાર હાથમાં ઉઠાવી રહ્યાં છે. જેથી સ્થિતિ વણસે તો પોતાની અને પોતાના પરિવારની રક્ષી કરી શકે. કાબૂલ સ્થિત ઈન્ડિયન કોન્સ્યુલેટે જૂન મહિનામાં જ ભારતીયો માટે એડવાઝરી જાહેર કરી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં વસતા ભારતીયો માટેની એડવાઈઝરીમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો બિનજરૂરી ઘરની બહાર ના નીકળે. મુખ્ય શહેરોમાં ના આવે. જો ક્યાંય જવું જ પડે, તો ફ્લાઈટમાં જ મુસાફરી કરે, કારણ કે હાઈ વે સુરક્ષિત નથી. અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ખતરનાક બની છે અને આતંકવાદી સંગઠનો નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યાં છે એવામાં ભારતીય નાગરિકોના અપહરણની સૌથી વધુ શક્યતા છે.

અફઘાન સૈનિકો દેશ છોડી રહ્યાં છે

અફઘાનિસ્તાનમાં મોટાભાગના જિલ્લાઓ પર તાલિબાનોએ (Taliban Returns) કબજો જમાવી લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સેંકડોની સંખ્યામાં અફઘાન સૈનિકો સરહદ ઓળંગીને તાજિકિસ્તાનમાં પહોંચી ગયા છે. તાજિકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સ્ટેટ કમિટીના જણાવ્યા મુજબ, તાલિબાન લડવૈયાઓ સામે યુદ્ધ દરમિયાન 300થી વધુ અફઘાન સૈનિકો અફઘાનિસ્તાની બડાખશાન પ્રાંતથી દેશમાં પ્રવેશી ચૂક્યા છે. એક સારા પડોશી હોવાના નાતે તાજિકિસ્તાનના અધિકારીઓએ અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી ફોર્સને તાજિકિસ્તાનની સરહદમાં ઘૂસવા દીધા છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલના મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જાહેરાત કરી હતી કે, સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તે પોતાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથી હટાવી લેશે. જે બાદ તાલિબાને (Taliban Returns) સમગ્ર દેશમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનું શરૂ કરી દીધુ છે. અફઘાનિસ્તાનના 421 જિલ્લાઓમાંથી ત્રીજા ભાગના જિલ્લા મથકો પર તાલિબાનનો કબજો છે. બીજી તરફ તાલિબાન પ્રવક્તા સુશિલ શાહિને ચીની મીડિયાને આપેલા ઈન્ટર્વ્યૂમાં દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનના 85 ટકા ભાગ પર તાલિબાને પોતાનો કબજો જમાવી દીધો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment