સમગ્ર સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદથી જામનગર અને રાજોકોટમાં તારાજી સર્જાઈ છે. સાંબેલાધાર વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીમાં મદદ માટે INS વાલસુરાના કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. નૌસેના દ્વારા તૈનાત કરવામાં આવેલી હોડીઓની મદદથી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોને બચાવીને સલામત આશ્રય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
રાહતકાર્ય માટે આઈએનએસ વાલસુરાએ 5 ટીમો મુકી છે. જેમાં 75 જેટલા કર્મચારીઓ લોકોની મદદ કરી રહ્યા છે. જેમાં 6 બોટ રેસક્યુ સામગ્રી સાથે સજ્જ છે. નૌસેનાની ટીમે અત્યાર સુધીમાં 400 લોકોના જીવ બચાવ્યા છે. અને ગત રાત્રીએ 600 લોકોને ખોરાકનું વિતરણ કર્યું હતું. અને આજે પણ 300થી વધુ લોકોને ખોરાકનું વિતરણ કર્યું હતું.
વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને નૌસેનાની ટીમ દ્વારા ભોજન અને રાશન પણ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. દરેક વિકટ પરિસ્થિતિઓમાં દેશની સંરક્ષણ પાંખ આગળ રહીને કામગીરી કરતી હોય છે. ખાસ કરીને પુર જેવી પરિસ્થિતિમાં નૌસેના જવાનો હોડીઓ લઈને પોતાના જીવની ચિંતા કર્યા વિના પણ લોકોના જીવ બચાવતા હોય છે.
આ પણ વાંચો : ભારે વરસાદથી છલકાયું સૌરાષ્ટ્ર, અનેક ગામ સંપર્ક વિહોણા
નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય ત્યાં એરફોર્સના જવાનો હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટિંગ કરીને લોકોને બચાવતા હોય છે. ભૂમિદળના જવાનો પણ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરતા હોય છે. હર કામ દેશને નામ ભારતની સંરક્ષણ પાંખ તમામ વિકટ પરિસ્થિતિમાં અગ્રભુમિકા ભજવી નાગરિકોની મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પાણીમાં ફસાયા છે, ત્યારે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ઘણા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ પણ લોકોની મદદ કરી રહી છે. સાથે જ અનેક સંસ્થાઓ પણ રાહતકાર્યમાં જોડાઈ રહી છે. વહીવટી પ્રશાશન દ્વારા પણ નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4