Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાજકોટની જૂની જેલના પુનરો દ્વારને ઠાકોર માંધાતાસિંહજી દ્વારા આવકાર

રાજકોટની જૂની જેલના પુનરો દ્વારને ઠાકોર માંધાતાસિંહજી દ્વારા આવકાર

Vijaybhai rupani
Share Now

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા

  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના શ્રીગણેશ
  • શહેરભરમાં લગાવાયેલા સી.સી.ટી.વી.થી ગુનાઓનો ડિટેક્શન રેટ ઊંચો આવ્યો હોવાની મુખ્યમંત્રીશ્રીની સાફ વાત.
  • કાયદો અને વ્યવસ્થા એ વિકાસના અગત્યના પરિબળો છે-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
  • આવનારી પેઢી માટે રાજ્યને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીશ્રી
  • મુખ્યમંત્રીશ્રીનું ગૌરવ-વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

Ramnath Jail

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો 

  •  રામનાથપરાની જૂની જેલમાંથી બનેલ કોમ્યુનિટી હોલનું ઉદઘાટન
  •  નાર્કોટિક સેલ્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના પ્રારંભ
  •  વિઝિટર્સ મેનેજમેન્ટ સીસ્ટમ-“સંપર્ક”નું લોકાર્પણ,
  •  કોરોના વોરિયર્સને સહાય વિતરણ

 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની રાહબરી હેઠળ રાજયસરકારને પૂર્ણ કરેલ પાંચ વર્ષની અવધિને ઉજવવા માટે રાજકોટ શહેર ખાતે વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ આયોજન કરાયા હતા. રાજકોટ શહેર પોલિસ દ્વારા રામનાથપરા પોલિસ લાઇન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સાફ વાત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી શહેરભરમાં લગાવાયેલા કલોઝ સર્કીટ ટી.વી.કેમેરાથી ગુનાઓનો ડીટેકશન રેટ ઉંચો આવ્યો છે, અને શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ નોંધનીય રીતે ઘટવા પામ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પોલિસ દ્વારા જાળવવામાં આવતી કાયદો અને વ્યવસ્થાની મહત્તા સ્વીકારતાં કહયું કે, કોઇ પણ પ્રદેશના વિકાસમાં કાયદો અને વ્યવસ્થા એ અગત્યના પરિબળો છે, જેની જાળવણીથી જ વિકાસ શકય બને છે. આ બાબતના સમર્થનમાં તેમણે પોલિસ વિભાગની ઉમદા કામગીરીના ઉદાહરણો પણ ટાંકયા હતા.

Ramnath jail
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ આવનારી પેઢી માટે “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી, અને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહે, તે વાતનું તેમને મન ખૂબ મહત્વ છે. રાજયની પોલિસ માટે રાજયસરકારે ઉપલબ્ધ બનાવેલી વિવિધ સવલતો નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ, એન્ટીડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેમણે વધુમાં કહયું હતું કે, ટૂંક સમયમાં જ રાજયના તમામ પોલિસમેન માટે કરાનારી બોડી કેમેરાની વ્યવસ્થા થકી પોલિસમેનની વર્તણૂક પર નિયંત્રણ રાખી શકાશે, જેનાથી પોલિસ અને આમજનતાના સંબંધો વધુ ગાઢ બનશે. અને લોકોના પોલિસ પરના વિશ્વાસમાં વૃધ્ધિ થશે. કોરોના વોરિયર્સ તરીકેની પોલિસ વિભાગની કામગીરીની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મોકળા મને પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ પોલિસકર્મીઓ માટે બનાવવામાં આવેલા બે બેડરૂમવાળા આવાસો થકી પોલિસ કર્મચારીઓનું જીવન વધુ સગવડદાયક બનશે, એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ જુઓ : વિજયભાઈ વજુભાઈની મુલાકાતે

મુખ્યમંત્રીશ્રીએ પોતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રામનાથપરાની જૂની જેલમાંથી નવું સંસ્કરણ પામેલ કોમ્યુનિટી હોલનું તક્તિ અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેમણે જૂની જેલ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજયભરમાં છેલ્લા પાંચ વર્ષમાં અમલી બનાવાયેલા વિવિધ નવા કાયદાઓની વિગતો ટુંકમાં વર્ણવી હતી. અને આ કાયદાઓની કડક અમલવારીથી સુધરેલી સ્થિતિનું બયાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે રાજકોટ શહેર પોલીસ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીને પોલીસ વિભાગ દ્વારા પાઘડી, પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓ તથા તલવાર અને તુલસીદલ એનાયત કરાયા હતા.

Ramnath jail

રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યરત કરાયેલી વિઝિટર્સ મેનેજમેન્ટ સીસ્ટમ-“સંપર્ક”નું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. તથા રાજકોટ ખાતે નાર્કોટિક સેલ્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના શુભારંભ કરાવ્યા હતા. કોરોનાના સમયમાં પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સહાય વિતરણ, શહેરના જાગૃત નાગરીકોનું સન્માન કરવા સાથે બાન લેબ્સના એમ.ડી. શ્રી મૌલેશભાઈનુ મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેર પોલીસના સાયબર સેલની મુલાકાત લીધી હતી. અને વિઝીટબૂકમાં નોંધ પણ કરી હતી. ૬૫ મા જન્મદિવસ નિમિત્તે ૬૫ થેલેસેમિયા પીડિત બાળકો સાથે મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત કરી હતી. અને આ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં ૬૫ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

Ramnath jail

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા રોક ક્લાઈમ્બિંગ કરી શહેર પોલીસના બેનરનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનનું પણ મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થનાર વિવિધ પ્રકલ્પોની માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ રામનાથપરા પોલીસ લાઈનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળમાં રાજકોટ શહેર પોલીસે કરેલી સરાહનીય કામગીરીની રજૂઆત કરતી પુસ્તિકાનું મુખ્યમંત્રી તથા આમંત્રિતોના હસ્તે વિમોચન કરાયું હતું. રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી “કસુંબીનો રંગ”નું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું.

Ramnath Jail
આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઈ રૈયાણી તથા શ્રી લાખાભાઈ સાગઠીયા, મેયર શ્રી પ્રદીપ ડવ તથા ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રી નીતિન ભારદ્વાજ, તથા શ્રી કમલેશભાઈ મીરાણી, કલેકટરશ્રી અરુણકુમાર બાબુ, રેન્જ આઇ.જી. શ્રી સંદીપકુમાર, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમીત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી વૈષ્ણવ, ડી.સી.પી.શ્રી પ્રવીનકુમાર મીના અને શ્રી મનોહરસિંહ જાડેજા, પોલીસ કર્મચારીના પરિજનો, સ્થાનિક રહીશો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પુરાતન વારસાને જાળવવા માટે સરકાર દ્વારા થતાં પ્રયાસોથી આનંદની હેલી

રાજકોટની જુની, રજવાડાં સમયની રામનાથપરા જેલનું સમારકામ-પુનરોદ્ધાર કરવાના પગલાંને રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ આવકાર્ય ગણાવીને મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ જેણે આ યોજના હાથ ધરી છે એમને રામનાથ પરા જેલના નવીનીકરણ અને કોમ્યુનિટી હોલના નિર્માણ માટે ધન્યવાદ પાઠવ્યા છે. હેરિટેજ જાળવણી માટે ગુજરાત સરકારની નિસબત કેટલી છે તે આનાથી પુરવાર થયું છે એવું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીનો જન્મદિવસ સંવેદના દિવસ તરીકે જ્યારે ઉજવાતો હોય છે ત્યારે આ બાબત ઘણી અગત્યની છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટની જુની જેલ ઉત્તમ સ્થાપત્યનો નમુનો છે. એની બાંધણી, કળાત્મક રચના ઉલ્લેખનીય છે. ભલે તે જેલ છે પરંતુ બાંધકામની દ્રષ્ટિએ, આર્કિટેક્ચરની રીતે તો એ ઘણું મહત્વ ધરાવે છે. આ ઈમારત અત્યાર સુધી એમની એમ પડી હતી અને સમયની, વાતાવરણની એને અસર થતી હતી. રાજકોટના શહેર પોલીસ તંત્રે આ જેલનું સુંદર રીતે સમારકામ કર્યું છે. આ ઘણી જ સરાહનીય વાત છે. જેના માટે હું અને મારો પરિવાર તથા અમારી સંસ્થા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન આના માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો આભાર માનીએ છીએ. અને પોલીસ કમિશનર તથા પોલીસ ડીપાર્ટમેન્ટ ની પણ સરાહના કરીએ છીએ. એમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આવા પ્રકલ્પો હાથમાં લે છે એ સારી વાત છે. રાજકોટમાં અન્ય અનેક સ્થાપત્યો પણ છે. ક્રમશ: એના માટે પણ આ રીતે કાર્ય થશે એવો મને વિશ્વાસ છે. રાજકોટમાં પુલ, નવા રીંગરોડ કે નવાં રેસકોર્સ અને સમગ્ર સ્માર્ટ સિટીની યોજના પણ આકાર લઈ રહી છે ત્યારે બીજી તરફ આપણા પુરાતન વારસાને જાળવવા માટે પણ સરકાર આવા પ્રયાસ કરે છે એ ઘણા આનંદની વાત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment