2 મહિનામાં સુરતના લોકોએ માનસિક રોગોની 3 લાખ ગોળી ખાધી, 70 ડૉક્ટરો પાસે રોજ 500 દર્દી આવી રહ્યા
- કોરોના ફોબિયાથી દર્દી 50% સુધી વધ્યાં; જુલાઈ-2020થી માર્ચ 2021 સુધી 60 લાખ ગોળીઓ ખાધી
- એન્જાઈટી, કોરોના ફોબિયા, ડિપ્રેશન ઓફ પેનિક ડિસઓર્ડરના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો
સુરત હાલમાં માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા બે મહિનામાં લોકોએ માનસિક બીમારીની ત્રણ લાખથી વધુ ગોળી ખાધી તેના પરથી તેનો અંદાજ આવી શકે છે. શહેરના મનોચિકિત્સકો પાસે રોજના 400થી 500 દર્દીઓ સારવાર માટે પહોંચે છે. આ તણાવ કોરોનાની દેણ છે. દર્દીઓ ગભરાટ, બેચેની, પરસેવો આવવો, શરીર ઠંડુ પડવું, મોતનો ડર, પલ્સ વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે. ડૉક્ટરો કહે છે કે દર્દીઓ એન્જાઈટી, કોરોનાનો ફોબિયા, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર વગેરેથી પીડાઈ રહ્યાં છે. આવા દર્દીની સંખ્યા કોરોનાકાળમાં 50% જેટલી વધી ગઈ છે. સુરતમાં 65થી 70 જેટલા મનોચિકિત્સક ડૉક્ટર છે. એક ડૉક્ટર પાસે 8થી 10 દર્દી પહોંચી રહ્યાં છે. ડૉક્ટરો સારવાર માટે દર્દીને અલ્પ્રેક્સ, દુક્સેલ, નેક્સિટો, લોનાજોબ જેવી દવા આપી રહ્યાં છે.
સમસ્યાઓથી કંટાળ્યા:
ચારે તરફ સમસ્યાના સમાચાર સાંભળી-વાંચી લોકો માનસિક બીમાર થઇ રહ્યાં છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાને કારણે ચિંતિત છે. રોજ અમે નવા કેસ જોઈએ છીએ. દર્દી કહે છે કે અમે બધી તપાસ કરાવી, બધા રિપોર્ટ નોર્મલ છે છતાં આરામ નથી. – ડૉ. મુકુલ ચોક્સી, સિનિયર મનોચિકિત્સક
20માંથી 10 દર્દી આવા જ:
એન્જાઈટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર અને કોરોના ફોબિયા જેવી બીમારીથી દર્દીની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 50%થી વધુની થઈ છે. અત્યારે અમારી પાસે રોજ 20માંથી 10 દર્દી આવી સમસ્યા લઈને આવે છે. આ તમામ માનસિક રીતે બીમાર દર્દી હોય છે. – ડૉ. પ્રણવ પચ્ચીગર, મનોચિકિત્સક.
બીજી લહેરે બીમારી વધારી, માર્ચ પછી માનસિક દર્દી વધ્યા:
કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉનને કારણે લોકો સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા નહોતા. તેઓ સમજી શકતા નહોતા કે તેઓ માનસિક રીતે બીમાર છે. પરંતુ લૉકડાઉન ખૂલ્યું કે લોકોએ અચાનક હોસ્પિટલ જવાનું શરૂ કર્યું. પછીથી કાઉન્સેલિંગ દરમિયાન જણાયું કે તેઓ માનસિક રીતે બીમાર છે. માર્ચ 2021 પછી બીજી લહેર આવી. સંક્રમણ વધ્યું અને મોત થયા. ત્યારપછી માનસિક રીતે બીમાર પીડિતોની સંખ્યામાં અચાનક વધારો થવા પામ્યો છે.
આ બીમારી વધી રહી છે
- સ્કૂલ બંધ હોવાથી બાળકો સાથે વાલીઓ પણ ચીડિયા થઈ ગયા.
- સંબંધીઓની સમસ્યાથી ચિંતિત
- લગ્નમાં અડચણ આવવાની મુશ્કેલી
- એન્જાઇટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર
આ પણ જુઓ : જસદણ વૈદ્યના મૃત્યુનું રહસ્ય
બીમારી વધવાનાં કારણ
- કામ-ધંધો બંધ હોવો
- નોકરી જવાથી આર્થિક તંગી અને તેના પરિણામે પારિવારિક વિવાદ
- બાળકોના ભવિષ્યની ચિંતા
- પ્રતિબંધને કારણે હરવા-ફરવાનું બંધ
- કોરોનામાં પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ
કેસ 1ઃ ભાઈએ વેક્સિનના બંને ડોઝ લીધા છતાં પણ મહિલાને ચિંતા કે તેને કોરોના થશે
45 વર્ષીય એક મહિલાએ કહ્યું કે તેના પરિવારમાં 5 સભ્યોને કોરોના થઈ ચૂક્યો છે. અત્યારે બધા સાજા છે. તેનો એક ભાઈ કેનેડામાં રહે છે. જો કે તેને વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ બહેન કહે છે કે ત્રીજી લહેર આવવાની છે. આથી જો તેમને કોરોના થશે તો શું થશે? માતા ઘરમાં એકલા રહે છે તેની દેખભાળ કોણ કરશે. મહિલાને આવી ચિંતા રાત-દિવસ સતાવે છે.
કેસ 2ઃ 21 વર્ષીય યુવકને ચિંતા છે કે બ્રિટનમાં કોરોના વધે છે, આપણે ત્યાં પણ ફરી વધશે
ડૉક્ટરો પાસે સારવાર માટે 25 વર્ષીય એક યુવક આવ્યો હતો. તે એન્જાઇટી અને પેનિક ડિસઓર્ડરનો શિકાર થઈ ગયો હતો. તેણે ડૉક્ટરને કહ્યું કે તેને વારંવાર આત્મહત્યાના વિચાર આવે છે. બ્રિટનમાં કોરોના વધી રહ્યો છે. આથી તેને ચિંતા છે કે આપણા દેશમાં પણ કોરોના ફરી વધી જશે. જો આવું થશે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની જશે. બિઝનેસ ખલાસ થઈ ગયો છે.
ગુજરાત સહિત 10 રાજ્યોમાં સરવે
87 લાખ મહિલાએ નોકરી ગુમાવી, ભોજન ઓછું ખાધું
ભારતમાં ઓછી આવક ધરાવતાં પરિવારમાં પુરુષોની તુલનાએ મહિલાઓએ મોટી માત્રામાં નોકરી ગુમાવી છે. ભોજનની સાથે તેમને વેતન પણ મળ્યું નથી. ગુજરાત સહિત 10 રાજ્યોની 15 હજારથી વધુ મહિલા અને 2300 પુરુષોના અભ્યાસ પરથી આ તારણ બહાર આવ્યું છે. કન્સલ્ટીંગ ફર્મ ડાલબર્ગ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાયું કે 10માંથી 1 મહિલાને ભોજન પણ મળતું નહોતું. 16% મહિલાને સેનેટરી પેડ અને 33% મહિલાઓને ગર્ભ નિરોધક ગોળી પણ મળી શકી નહોતી.
- 16 ટકા મહિલાઓને સેનેટરી પેડ ના મળ્યાં
- 33 ટકા મહિલાઓએ કહ્યું- ગર્ભ નિરોધક ગોળી ના મળી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt