રવિવારે રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસ્યા હતા. જો કે તેમાં રાજકોટ મોરબી હાઈ વે પર આવેલા કાગદડી (Kagdadi) ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા કાગદડી સહિત આસપાસના ચાર ગામોમાં જાણે આભ ફાટયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગ્રામજનોના કહેવા પ્રમાણે માત્ર દોઢથી બે કલાકના સમયમાં આ ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઈનું ખેતર ધોવાયું તો કોઈના પશુઓ તણાયા હતા. કોઈના ઘરની ઘરવખરી તણાઈ તો કોઈના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું હતું.મામલતદાર-ટીડીઓ સહિતનો કાફલો ધસી ગયો હતો અને નુકશાની સહિતની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કાગદડીમાં 150 પશુ તણાયાં
ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલા પશુઓ તણાઈ ગયા હતા.આશરે 150 જેટલાં પશુ લાપતા છે. અંદાજે 20થી 25 વીજપોલ પડી ગયા છે. ખેડૂતોનાં ખેતરોનું ધોવાણ થયું છે. આજ દિન સુધી ન જોયેલો વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો, આથી કાગદડી ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. PGVCL અને ખેતી વિભાગની ટીમ દોડી આવી છે અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાય ગઈ છે. હજુ ફિક્સ અનુમાન લગાવવામાં આવી રહ્યું નથી.નદી કાંઠે આવેલા ખેતરોમાં તો એવી સ્થિતિ થઈ હતી કે જાણે ખેતર નહીં કોઈ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતુ કે 100 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય તેવી તારાજી સર્જાઈ હતી. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની હોત.
ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી
એક તરફ ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે વાવેતર કર્યુ છે કે નહીં તે ખબર ન પડે તે રીતે પટ્ટ થઈ ગયા છે તો અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઈ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરૂ, રઈ સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ પહેલા વરસાદમાં જ ફેલ થયું છે હવે સીધું શિયાળું વાવેતર લઈ શકાશે, ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે. બીજી તરફ ગામ લોકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકોએ કયારેય ન જોયો હોય તેવો ભયાનક વરસાદ ગામમાં પડયો હતો. બે કલાક સુધી રીતસરનું મેઘતાંડવ હતું. સમગ્ર ગામમાં કેડસમા પાણી ભરાયા હતા જયારે નદીકાંઠાના ભાગોમાં નો વિજથાંભલા લગભગ ડુબી ગયા હતા. એટલે 12થી15 ફુટ પાણી હોવાનું માની શકાય છે. મકાનોમાંથી ઘરવખરી તણાઈ ગઈ હતી. પશુઓ પણ તણાયા હતા ઉપરાંત ખેતરોમાં કપાસ જેવો પાક સાફ થઈ ગયો હતો.
આ પણ વાંચો : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, હરિભક્તો થયાં શોકમગ્ન
ગામમાં હાથ ધરાયો સર્વે
આ તરફ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલા પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘર વખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગામમાં અનેક પશુઓ તણાઈ ગયા છે, જ્યારે સૌથી વધારે નુકસાન ઘરવખરીને થયું છે. બીજી તરફ સરપંચ દેવ કોરડીયાના કહેવા પ્રમાણે કાગદડી ગામની સ્થિતિ અંગે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતી અપાઈ રહી છે અને ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ લોકો દ્વારા ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt