Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝએક નવી પહેલ: વેદાંત ફાઉન્ડેશને શાળાની કિશોરીઓને પીરિયડ્સ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

એક નવી પહેલ: વેદાંત ફાઉન્ડેશને શાળાની કિશોરીઓને પીરિયડ્સ અંગે આપ્યો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

Vedant
Share Now

‘મેન્સ્ટ્રુલ હાઇજીન’ અંગે ગ્રાફિક બુક, સેનેટરી નેપકીનનુ નિઃશુલ્ક વિતરણ તેમજ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ દ્વારા સામાજિક જાગૃતિ સાથે મહિલા સશક્તિકરણનું અભિયાન હાથ ધર્યુ, કિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવર્તીઓ હવે ચાલુ રાખે છે.

  • રાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટની મદદથી તૈયાર કરાયો છે મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ
  • માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને શારીરિક ફેરફારો સંદર્ભે કરાઈ છે પ્રશ્નોનું નિરાકરણ

શારીરિક ફેરફારો સાથે વૈજ્ઞાનિક સમજ

પ્રાથમિક શાળામાં ભણતી કિશોરીઓ ૧૦ વર્ષ કે તેથી વધુ ઉમરની થાય ત્યારે સામાન્ય રીતે માસિકમાં આવતી હોય છે. સામાન્ય રીતે પારંપરિક ઢબે ઘર-પરિવાર દ્વારા તે વિષેની સમજ કિશોરીઓને આપવામાં આવે છે,  પરંતુ કિશોરીઓને માસિકના પ્રારંભે અને તે દરમ્યાન થતા માનસિક અને  શારીરિક ફેરફારો સાથે વૈજ્ઞાનિક સમજ આપવી જરૂરી જણાતા કિશોરીઓ અને તેમના પરિવારજનોને સાચું માર્ગદર્શન મળી શકે, તે માટે અમે “મેન્સ્ટ્રુલ હાઇજીન પ્રોગ્રામ” તૈયાર કર્યો હોવાનું રાજકોટની વેદાંત ફાઉન્ડેશન સંસ્થાના ડિરેક્ટર ડો. અર્જુન દવે જણાવે છે.

રાજ્યમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમર વચ્ચે ૧૬ લાખથી વધુ કિશોરીઓ

છેલ્લા બે વર્ષ દરમ્યાન આશરે ૫ હજારથી વધુ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાની કિશોરીઓને આ પ્રોગ્રામ હેઠળ શિક્ષિત કર્યાનું શ્રી અર્જુનભાઈ જણાવતા ઉમેરે છે કે, રાજ્યમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉમર વચ્ચે ૧૬ લાખથી વધુ કિશોરીઓ અભ્યાસ કરે છે. જેઓને માસિક આવતા પૂર્વે અથવા તે સમય દરમ્યાનના પરિવર્તનોની યોગ્ય જાણકારી મળે તો તેઓ સ્વસ્થતાપૂર્વક તેમનો અભ્યાસ કરી શકે અને ઘર-પરિવાર તેમજ સમાજમાં માનભેર આગળ વધી શકે તે જ અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય છે.

એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા અર્જુનભાઈ આ પ્રવુતિ શરુ કરવા અંગે જણાવે છે કે, અમારા સંપર્કમાં એક મહિલા આવ્યા કે જેઓ યુનેસ્કો દ્વારા આ પ્રકારે ચાલતા પ્રોગ્રામમાં ભાગ લઈ ચુક્યા છે. આપણે ત્યાં આ પ્રકારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે કિશોરીઓને શિક્ષણ મળવું જરૂરી લાગતા અમે આ પ્રકારે ખાસ વર્કશોપ શરુ કરવા વિચારણા હાથ ધરેલી. જેનો પ્રારંભ અમે જામનગરથી કરેલો, ત્યાર બાદ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ આ પ્રવૃત્તિ આગળ વધારી છે.

આ પ્રોગ્રામ અમે રાષ્ટ્રીય શિક્ષા અભિયાન, યુનેસ્કોના પ્રોગ્રામથી પ્રેરિત થઈ ગાયનેકોલોજિસ્ટ સાથે સંપર્કમાં રહી તૈયાર કર્યો હોવાનું તેઓ જણાવે છે. અમારી ટીમની પ્રશિક્ષિત મહિલાઓ શાળામાં જઈ પ્રોજેક્ટરની મદદથી પ્રેઝન્ટેશન દ્વારા કિશોરીઓને શિક્ષિત કરે છે. દરેક છોકરીઓને સેનેટરી નેપકીનની કીટ અને ગ્રાફિક બુક “આઈ એમ રેડી” નિઃશુલ્ક આપવામાં આવે છે. શાળાની મહિલા શિક્ષિકાઓને સાથે રાખવામાં આવે છે જેથી  તેઓ આગળ જતા વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શાળાના આચાર્યની પરવાનગી બાદ જ કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે.

જુઓ વીડિયો

 

વેદાંત એજ્યુકેશનના સહસ્થાપક શ્રી રાજ સોની

મેન્સ્ટ્રુલ હાઇજીન ખુબ જરૂરી હોવા અંગે તેમના પ્રશિક્ષક જણાવે છે કે, આ સમય દરમ્યાન કેટલીક  બાબત અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માસિક દરમ્યાન સેનેટરી પેડનો યોગ્ય રીતે વપરાશ કરવો જોઈએ. પેડુ કે પેટના ભાગે સામાન્ય તકલીફ થતી હોય છે, જો અસહ્ય દુખાવો કે વધુ લોહી નીકળે તો ડોક્ટરનું કન્સલ્ટિંગ જરૂરી છે. માનસિક બેચેની રહે છે, સ્વભાવ થોડો બદલાય છે. ઘરપરિવારે સહયોગ આપવો જોઈએ.  સેમિનારની ફલશ્રુતિ અંગે તેઓ જણાવે છે કે, કિશોરીઓ માસિક સમય દરમ્યાન પણ શાળાકીય પ્રવૃત્તિઓ હવે ચાલુ રાખતી થઈ છે.

વેદાંત એજ્યુકેશનના સહસ્થાપક શ્રી રાજ સોની સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ અંગે જણાવે છે કે, આ ઉમરની કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની જરૂરિયાત હોઈ અમે સેમિનારમાં પ્રેક્ટિકલ સાથે સેલ્ફ ડિફેન્સનો પ્રોગ્રામ પણ જોડી દીધો છે. જેથી કરી કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુ સારી રીતે સમાજમાં તેમનું પ્રદાન આપી શકે.

મહિલાઓ માત્ર હોમ મેકર જ નહીં પરંતુ દેશના વિકાસમાં પણ સહભાગી હોવુ જોઇએ

પૂવ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણ પ્રધાનશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહીત અનેક મંત્રીશ્રીઓએ તેમની આ પ્રવૃત્તિને બિરદાવી સર્ટિફિકેટ આપ્યા છે. વેદાંત ફાઉન્ડેશન દ્વારા આ પ્રવૃત્તિના વિસ્તરણ માટે આયોજન હાથ ધરાયુ છે. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની પ્રવૃત્તિ સાથે જોડી વધુને વધુ કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે તેઓએ સાથસહકાર આપવા ખાસ અપીલ કરી છે. 

મહિલાઓ માત્ર હોમ મેકર જ નહીં પરંતુ દેશના વિકાસમાં પણ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેદ્રભાઈ મોદી હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે મહિલા સશક્તિકરણ અન્વયે કિશોરાવસ્થામાં જ તેઓને યોગ્ય ટ્રેનિંગ મળે તે અર્થે આ સંસ્થા તેમનું યોગદાન આપી રહી છે.

આ પણ વાંચો: સ્વીટી મર્ડર કેસની ફાઇલ ખુલશે અમેરિકામાં,ફરી શું આવ્યો નવો વળાંક

No comments

leave a comment