Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeએન્ટરટેઈન્મેન્ટઅલવિદા દિલીપ કુમાર: બૉલિવૂડના ‘ટ્રેજેડી કિંગ’નું 98 વર્ષની વયે નિધન

અલવિદા દિલીપ કુમાર: બૉલિવૂડના ‘ટ્રેજેડી કિંગ’નું 98 વર્ષની વયે નિધન

Dilip Kumar Death
Share Now

મુંબઈ: બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું અવસાન (Dilip Kumar Death) થયું છે. 98 વર્ષના દિલીપકુમારે આજે સવારે 7:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ એક વખત ફરીથી 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, દિલીપ કુમાર ઘણાં સમયથી બીમાર હતા. દિલીપ કુમારના પારિવારિક મિત્ર ફૈઝલ ફારૂખીએ આજે અભિનેતાના ટ્વીટર એકાઉન્ટથી તેમના અવસાનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું છે કે, ખૂબ જ દુ:ખ સાથે કહેવું પડે છે કે, હવે દિલીપ સાબ આપણી વચ્ચે નથી રહ્યાં.

દિલીપ કુમારના અવસાનના (Dilip Kumar Death) સમાચાર મળવા સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઈ છે. તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ટ્રેજેડી કિંગ’ના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ દિલીપ કુમારની પત્ની શાયરાબાનો સાથે ફોન પર વાત પણ કરી છે. એક ટ્વીટમાં PM મોદીએ લખ્યું છે કે, તેમની વિદાય આપણા સાંસ્કૃતિક વારસા માટે મોટી ક્ષતિ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના…

દિલીપ કુમારની સફર પર એક નજર

દિલીપ કુમારનું ખરું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. 11 ડિસેમ્બર, 1922ના રોજ તેમનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા પેશાવરમાં થયો હતો. જો કે ભાગલા બાદ તેઓ ભારતમાં વસી ગયા હતા. ભારત ઉપરાંત દિલીપ કુમારના અનેક ફેન્સ પાકિસ્તાનમાં પણ છે. તેમના પિતાનું નામ લાલા ગુલામ સરાવર ખાન અને માતાનું નામ આયશા બેગમ હતું. તેમના કુલ 12 ભાઈ-બહેન હતા. દિલીપ કુમારના પિતા ફળ વેચતા હતા, તેઓ રાજ કપૂરની સાથે મોટા થયેલા, જે તેમના પડોશી પણ હતા. રાજ કપૂર અને દિલીપ કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી.

આ પણ વાંચો:  સરકારની આવક ઘટી, 8 મહિનામાં પ્રથમ વખત GST કલેક્શન 1 લાખ કરોડની નીચે

તેમને બૉલિવૂડ સિનેમામાં “ધી ફર્સ્ટ ખાન”ના નામે પણ ઓળખવામાં આવે છે. હિન્દી સિનેમામાં મેથડ એક્ટિંગનો શ્રેય પણ દિલીપ કુમારને જ જાય છે. 1944માં ફિલ્મ “જ્વાર ભાટા”થી દિલીપ કુમારે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જેને બૉમ્બે ટૉકિઝે પ્રોડ્યૂસ કરી હતી. લગભગ 5 દાયકાની ફિલ્મી કેરિયરમાં દિલીપ કુમારે 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં અંદાજ (1949), દાગ (1952), દેવદાસ (1955), આઝાદ (1955), મુગલ-એ-આઝમ (1960), ગંગા-જમુના (1961), રામ ઔર શ્યામ (1967) જેવી મુખ્ય છે.

1976માં દિલીપ કુમારે કામમાંથી લગભગ 5 વર્ષનો બ્રેક લીધો હતો. જે બાદ 1981માં તેમણે “ક્રાંતિ” ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે વાપસી કરી હતી. જે બાદ તેમણે શક્તિ (1982), મશાલ (1984), કર્મા (1986), સૌદાગર (1991) જેવી ફિલ્મોમાં ઉત્તમ અભિનય કર્યો હતો. દિલીપકુમારની અંતિમ ફિલ્મ “કિલ્લા” હતી. જે 1998માં રિલીઝ થઈ હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

દિલીપ કુમારના નિધનના (Dilip Kumar Death) સમાચાર સાંભળતા જ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. મોટા-મોટા સેલેબ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહાન અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. અગાઉ પણ દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે બાદ 6 જૂને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 5 દિવસ સુધી ચાલેલા સારવાર બાદ દિલીપ કુમારની તબીયતમાં સુધારો જણાતા ડૉક્ટર્સ દ્વારા તેમને રજા આપવામાં આવતા સાયરા બાનો તેમને ઘરે લઈ ગયા હતા.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment