Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝગાંધીનગરમાં 1050 ની લૂંટ માટે ખૂન, જીવન આટલું સસ્તું ?

ગાંધીનગરમાં 1050 ની લૂંટ માટે ખૂન, જીવન આટલું સસ્તું ?

Share Now

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 1050 રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે. સેક્ટર 27ના બગીચા નજીક ફાઈવ સ્ટાર હોટલના કર્મચારીની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ (Youth Murder) યુવકની હત્યા ફક્ત 1050 રૂપિયા માટે કરવામાં આવી છે.

પોલીસે હોટલના કર્મચારીની હત્યા કરનાર ટોળકીને ઝડપી લીધી છે. આ ટોળકીમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આટલી નાની રકમ માટે હત્યાની ઘટનાએ માનવતાને હચમચાવી નાખવાની સાથે પાટનગરમાં વધતી ગુનાખોરી સામે પણ લાલબત્તી કરી છે.  હાલની સ્થિતિમાં મોંઘવારીએ ચિંતા જન્માવી છે સાથે જ મનુષ્ય જીવવની ઘટતી કિંમત પણ કષ્ટદાયક છે.

વડોદરાના રહીશ અને મહાત્મા મંદિર નજીક આવેલી હોટલમાં ફરજ બજાવતા યુવક દેવાંશ ભાટીયાને 8મી ઓક્ટોબરે અજાણ્યા હુમલાખોરોએ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. સવારે સાત વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં જાગૃત નાગરીકે ફોન કરીને સેક્ટર- 27ના બગીચા નજીક લાશ પડી હોવાનું જણાવ્યું હતું.

માટીનો ડમ્પ તંત્રના આંખ આડા કાન જુઓ વીડિયોઃ

પોલીસે તપાસ કરતાં અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારથી દેવાંશ રોમી ભાટીયા નામના યુવકને જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યુ હોવાનું જણાયુ હતું. આ બાબતે સેક્ટર-21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી હત્યારાઓને શોધી કાઢવા રેન્જ આઈજી અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ 15 જેટલી ટીમ તૈયાર કરી હતી. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ માટે શરૂઆતમાં આ કેસ ઉકેલવાનું પડકારજનક હતું. 

Devang Bhatiya

કેવી રીતે ઉકેલાયો ભેદ

પોલીસની પ્રાથમિક તપાસમાં (Youth Murder) મૃતક યુવક હોટલનો કર્મચારી હોવાનું જણાયુ હતું. તેના મિત્રો અને પરિવારની પૂછપરછ ઉપરાંત પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તથા કોલ ડીટેઈલ્સ ચેક કર્યા હતા. મૃતક વ્યક્તિ સરળ પ્રકૃતિનો હોવાનું જણાતા ખૂનનો હેતુ સ્પષ્ટ થતો ન હતો. દેવાશંની હત્યા કરાયેલી લાશ સવારે સાત વાગ્યાના સુમારે મળી આવી તે અગાઉના ક્યા સમયે હત્યા થઈ હતી તે કહેવુ પણ અઘરુ હતું.

તપાસની શરૂઆત પોલીસે મોબાઈલ લોકેશન ચકાસવાથી કરી હતી. જેમાં તેને ટ્રેક કરતાં અગાઉનું લોકેશન વસ્ત્રાપુરનું મળ્યુ હતું. વસ્ત્રાપુરમાં સંબંધીના ઘરે ગયા બાદ દેવાશ ઓલા બાઈકમાં ગીતા મંદિર ઉતર્યો હતો. જે બાદ પોલીસે પથિકાશ્રમ ડેપોના કેમેરા ચેક કર્યા હતા.  સીસીટીવીમાં દેવાંશ પથિકાશ્રમની બહાર આવતા દેખાયો હતો અને ત્યાંથી ઘ-રોડ પર ચાલતા ઘ-5 સુધી પહોંચ્યો હતો. ઘ-6 સર્કલના કેમેરામાં તેની કોઈ હિલચાલ દેખાઈ ન હતી, તેથી પોલીસે સેક્ટર-22 અને સેક્ટર-23 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, પરંતુ દેવાંશ ચાલતો નજરે પડ્યો ન હતો. ઘ-5થી સેક્ટર-27 સુધી દેવાંશ કઈ રીતે પહોંચ્યો તેનો જવાબ જરૂરી હોવાથી પોલીસે ઘ-5 ખાતેથી પસાર થયેલા તમામ વાહનોના નંબરની ઓળખ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક રિક્ષા ચાલકે દેવાંશને ઓળખ્યો હતો અને તેણે ઘ-5થી દેવાંશને રિક્ષામાં બેસાડી સેક્ટર 24 અને 27ના કટ આગળ ઉતાર્યો હતો.

સમયના આધારે તપાસ કરતાં પોલીસને એક સ્પષ્ટ ફૂટેજ મળી આવ્યા છે. જેમાં એક વ્યક્તિ ચાલતો જતો જોઈ શકાય છે અને તેની પાછળ ટુ-વ્હિલર પર ત્રણ-ચાર વ્યક્તિ સવાર થઈને જતા હતા. પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને દેવાંશ જે રસ્તે આવતો હતો. તેની આસપાસના તમામ સેકટર તથા સર્કલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. વાહન પર ત્રણ કે ચાર સવારી પર દેખાયેલા લોકો ક્યાં રસ્તેથી આવ્યા છે અને કયા રસ્તે જઈ રહ્યા છે તેનું પળે-પળનુ મોનિટરિંગ કરવામાં આવ્યુ હતું. જેના આધારે પોલીસે શંકાસ્પદ વાહન હોન્ડા શાઈન કંપનીનું બાઈક હોવાનું તારણ કાઢ્યુ હતું. આ બાઈક પર ચાર વ્યક્તિ સવાર હતા અને તેઓ ગુનો કર્યા બાદ સેક્ટર 13 ખાતે ગયા હોવાનું જણાતા પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતા અને સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી. પોલીસની મહેનત રંગ લાવી અને શંકાસ્પદ બાઈક સાથેના ચાર ઈસમને પકડી લવાયા હતા. 

આ પણ વાંચો:ડ્રગ્સનું વેચાણ કરનારાની ખેર નથી, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રિવૉર્ડ પોલિસી કરી જાહેર

હત્યાના મુખ્યસુત્રધાર માનવ ઉમેશભાઈ પવાર છાપરાનો રહેવાસી છે. જ્યારે આશીષ મહેશભાઈ સોલંકી સેક્ટર 13A  નો રહેવાસી છે, ઘનશ્યામ ઉર્ફે કાળુ નારણભાઈ કાનાણી સેક્ટર 13A  નો રહેવાસી છે. જ્યારે સાથે એક કિશોર પણ આ હત્યામાં સામેલ છે. પૂછપરછ બાદ આરોપીએ કબૂલ્યુ કે, દેવાંશની હત્યા લૂંટના ઈરાદે કરી. આ આરોપીઓએ સરકારી કેમેરામાં ઓળખ છતી ન થાય માટે મુખ્ય રોડ પર નીકળવાનું  ટાળ્યું હતું. લૂંટ કરવા માટે દેવાંશને મોતને ઘાટ ઉતારી દીધો. અને પર્સમાંથી રોકડા રૂપિયા 1050, ડોક્યુમેન્ટ અને મોબાઈલના હેન્ડ્સ ફ્રી લૂંટીને છરીને ઘા મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment